<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

નડીયાદમાં એસીબીનો જબરો મોટો સપાટો : જીએસટી સુપ્રિટેન્ડન્ટ અમરનાથ સરોજ અને ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણ અધધધ ₹ 10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા!

ટ્રાન્સપોર્ટની ગાડી છોડવા 55 લાખની માંગણી કરી હતી : મદદનીશ નિયામક એ.કે.પરમાર અને ઇન્ચાર્જ નાયબ નિયામક ભારતી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડી.એ.ચૌધરીએ પાર પાડી જબ્બર મોટી ટ્રેપ

નડીયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદ ખાતે આજે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. જીએસટી ભવન ખાતે ફરજ બજાવતા સેન્ટ્રલ જીએસટીના બે ઉચ્ચ અધિકારીઓ ટ્રાન્સપોર્ટની ગાડી છોડવાના અવેજમાં લાખો રૂપિયાની લાંચ લેતા સ્થળ પર જ દબોચી લેવામાં આવ્યા છે. એસીબીના આ સફળ ઓપરેશનથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

સમગ્ર ઘટનાની વિગત:

આ કેસની વિગતો મુજબ, ફરિયાદી ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની સામાન ભરેલી એક ટ્રક સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ તપાસ અર્થે પકડી હતી અને નડીયાદ સ્થિત જીએસટી ભવન ખાતે લાવવામાં આવી હતી. ફરિયાદી જ્યારે પોતાની ગાડી છોડાવવા માટે ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં ફરજ બજાવતા જીએસટી ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણ અને સુપ્રિટેન્ડન્ટ અમરનાથ સરોજ દ્વારા માલ-સામાનના કાગળોમાં ક્ષતિ હોવાનું જણાવી ડરાવવામાં આવ્યા હતા. આ ગાડીને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર છોડવા માટે બંને આરોપીઓએ ફરિયાદી પાસે 55,00,000 રૂપિયાની માતબર રકમની લાંચની માંગણી કરી હતી.

 

એસીબીના છટકામાં આબાદ ઝડપાયા:

ભ્રષ્ટ અધિકારીઓની માંગણી સામે ઝૂકવાને બદલે જાગૃત નાગરિક એવા ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનું સચોટ આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ 55 લાખ પૈકી પ્રથમ હપ્તા તરીકે 10,00,000 રૂપિયા આજે આપવાનું નક્કી કર્યું હતું.

આજ રોજ તારીખ 18/04/2026 ના રોજ નડીયાદ સેન્ટ્રલ જીએસટી ઓફિસ ખાતે જ્યારે ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે ટ્રેપિંગ ઓફિસર અને ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એ.ચૌધરીની ટીમે વોચ ગોઠવી હતી. આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 10 લાખ સ્વીકાર્યા કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને સુબોધ ચૌહાણ અને અમરનાથ સરોજને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ 10,00,000 રૂપિયા રીકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી છે.

 

ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી:

આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદ મુખ્ય મથકના નાયબ નિયામક (ઇન્ચાર્જ) ભારતી પંડ્યાના માર્ગદર્શન હેઠળ અત્યંત ગુપ્તતા અને ચોકસાઈ સાથે પાર પાડવામાં આવ્યું છે. પકડાયેલા બંને અધિકારીઓ વર્ગ-2 ના હોવાથી આ કેસની ગંભીરતા વધુ છે. એસીબી દ્વારા હવે બંને આરોપીઓની મિલકતો અને અન્ય ભ્રષ્ટાચાર અંગેની તપાસ હાથ ધરવામાં આવશે. આ સફળ ટ્રેપ બદલ જાગૃત નાગરિકની હિંમતને પણ બિરદાવવામાં આવી રહી છે.

(7:56 PM IST)