News of Saturday, 28th November 2026
ઉત્તરાખંડના પૌરી-ગઢવાલમાં દુર્ઘટના: કાર ઊંડી ખીણમાં ખાબકતા 7ના કરુણ મોત : 5 ગંભીર
પીએમ મોદીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાય જાહેર કરી : મુખ્યમંત્રી ધામીએ પણ વ્યક્ત કરી સંવેદના

ગઢવાલ : ઉત્તરાખંડના પૌરી-ગઢવાલ જિલ્લામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ મહિલાઓ અને ડ્રાઈવર સહિત કુલ સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, કુલ 12 લોકોને લઈને આ વાહન રિખનીખાલ ખાતે યોજાયેલી એક જૂથ બેઠક પૂર્ણ કરીને પરત તેમના ગામ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન કાલવાડી ગામ નજીક પહાડી રસ્તા પર ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું ઊંડી ખીણમાં ખાબક્યું હતું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સાતેય લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો, જ્યારે અન્ય પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો, પોલીસ તંત્ર અને રાહત-બચાવ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને દુર્ગમ ખીણમાંથી મૃતદેહો તેમજ ઘાયલોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ પાંચ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત પર તબીબો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. એક જ વિસ્તારની છ મહિલાઓના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
આ ગમખ્વાર દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સંવેદના વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે પૌરી-ગઢવાલમાં થયેલી જાનહાનિથી તેઓ અત્યંત દુઃખી છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરે છે. આ સાથે જ વડાપ્રધાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી વહીવટીતંત્રને રાહત કામગીરી અને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
