<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ: સોનિયા ગાંધીના સંસ્મરણોની નકલ ફાડીને શિવસેનાના શિંદે જૂથનો વિરોધ

વીર સાવરકર અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાના વિરોધમાં મુંબઈમાં પ્રદર્શન યોજીને પુસ્તકના કેટલાક પાના દૂર કરવાની માંગણી કરવામાં આવી છે.

નવી દિલ્હી, તા.૧૮: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંસ્મરણ ગ્રંથ 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' સામે આક્રમક રૂખ અપનાવતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથ દ્વારા બુધવારે મુંબઈમાં એક પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પુસ્તકના પૃષ્ઠો ફાડી નાખવામાં આવ્યા હતા.

 

મુંબઈમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ શિવસેનાના પ્રવક્તા શૈના એનસીએ કર્યું હતું, જેમાં સંજય નિરુપમ અને આનંદ દુબે સહિતના અગ્રણી પક્ષીય નેતાઓ ઉપસ્થિત રહીને સોનિયા ગાંધી પર ઇતિહાસને તોડી મરોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

 

આ પ્રદર્શન દરમિયાન નેતાઓએ આક્રમક વલણ અપનાવતા પ્રકાશક હાર્પરકોલિન્સ સમક્ષ પુસ્તકના પૃષ્ઠ નંબર ૨૦૧ અને ૪૪૩ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ અવતરણો અને ફકરાઓને તાત્કાલિક ધોરણે પુસ્તકમાંથી હટાવવાની સખત માંગણી કરી હતી.

 

પત્રકાર પરિષદને સંબોધતા શૈના એનસીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં મહાન ક્રાંતિકારી વીર સાવરકરને 'હિન્દુત્વ એક્ઝલુઝનરી' કહીને તેમનું ખુલ્લું અપમાન કર્યું છે, જ્યારે બાલાસાહેબ ઠાકરે હંમેશાં સાવરકરને હિન્દુત્વનો આત્મા માનતા આવ્યા છે.

 

તેમણે વધુમાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા મેળવવામાં વર્ષો લાગ્યા હતા, જ્યારે વીર સાવરકરએ પોતાના જીવનના ૫૦ કરતાં વધુ વર્ષો જેલની યાતનાઓ સહન કરીને દેશની આઝાદી માટે સમર્પિત કર્યા હતા, તેથી તેમના પર સવાલ ઉઠાવવાનો કોઈ હક નથી.

 

આગામી સમયમાં જો આ વિવાદાસ્પદ અંશો પુસ્તકમાંથી દૂર કરવામાં નહીં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપતા શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્ર અને દેશના લોકો વીર સાવરકરના બલિદાનના ઇતિહાસ સાથે ક્યારેય કોઈ છેડછાડ સાંખી લેશે નહીં.

(4:11 PM IST)