News of Friday, 6th November 2026
ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે અભિનેતા પ્રકાશ રાજનો મોરચો: કોચીમાં દિવાળીના દિવસે વિરોધ પ્રદર્શનની અપીલ પર ભાજપે ઉઠાવ્યા ગંભીર સવાલો
પ્રકાશ રાજે SIR પ્રક્રિયાને ગણાવી કઠોર અને લોકશાહી વિરોધી, જ્યારે ભાજપના નેતા કેવીએસ હરિદાસે આયોજકોના કથિત વિદેશી ફંડિંગનો મુદ્દો ઉઠાવી UAPA હેઠળ કાર્યવાહીની કરી માંગ

કોચી, તા.૦૬: સાઉથ સિનેમાના જાણીતા અને પોતાના બેબાક અંદાજ માટે પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, જ્યાં તેમણે ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે વિરોધ નોંધાવતા આગામી ૭ નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસે કેરળના કોચી ખાતે ભવ્ય વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક વીડિયો સંદેશ જારી કરીને પ્રકાશ રાજે વિદ્યાર્થીઓ, યુવાનો, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને નાગરિકોને કોચી ખાતે યોજાનારા આ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરી છે, અને લોકશાહીની રક્ષા માટે સહુએ એક મંચ પર આવીને સરકાર સમક્ષ અવાજ બુલંદ કરવા ભાર મૂક્યો છે.
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના બેનર હેઠળ આયોજિત આ વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો તીવ્ર બની ગયો છે, કારણ કે ભાજપના પ્રવક્તા કેવીએસ હરિદાસે આ પ્રદર્શન સામે અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપતા આયોજકો પર વિદેશી ફંડિંગ મેળવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ભાજપના નેતા હરિદાસે દાવો કર્યો છે કે CJPના કેટલાક નેતાઓને અમેરિકામાં બેઠેલી ભારતવિરોધી શક્તિઓ અને પાકિસ્તાની રાજકારણીઓ તરફથી શંકાસ્પદ નાણાકીય ભંડોળ મળી રહ્યું છે, જેથી તેમણે કેરળ સરકાર અને પોલીસ સામે સવાલો ઉઠાવતા પ્રકાશ રાજને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા અને આ મામલે કડક UAPA (ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
એક તરફ પ્રકાશ રાજ દ્વારા SIR પ્રક્રિયાને કઠોર ગણાવીને નાગરિક અધિકારો અને લોકશાહીના રક્ષણ માટે લડત આપવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ભાજપના આકરા પ્રહારો અને વિદેશી ફંડિંગના વિવાદને કારણે કોચીમાં યોજાનારો આ વિરોધ કાર્યક્રમ ભારે ચર્ચા અને વિવાદનાે વિષય બન્યો છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
