News of Thursday, 16th July 2026
અભિનેતા સોહેલ ખાનનો ચોંકાવનારો ખુલાસો: બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યા હતા, વર્ષો સુધી મનમાં દબાવી રાખ્યું હતું આ દુઃખદ રહસ્ય
રિયાલિટી શો 'એલાયન્સ'માં સોહેલ ખાને શેર કરી પોતાની વ્યથા: પિતા સલીમ ખાન સાથે કરી હતી આ બાબતે મુલાકાત, કહ્યું - 'ભૂલ મારી નહોતી છતાં શરમ અનુભવાતી હતી'

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા અને ફિલ્મમેકર સોહેલ ખાને તાજેતરમાં એક રિયાલિટી શો દરમિયાન પોતાની અંગત જિંદગીનો એક અત્યંત સંવેદનશીલ અને પીડાદાયક કિસ્સો જાહેર કરીને સૌને સ્તબ્ધ કરી દીધા છે. પ્રાઈમ વીડિયોના રિયાલિટી શો 'એલાયન્સ'માં સ્પર્ધા કરી રહેલા સોહેલ ખાને ખુલાસો કર્યો હતો કે તેઓ બાળપણમાં જાતીય સતામણીનો શિકાર બન્યા હતા. આ આઘાતજનક ઘટનાને તેમણે વર્ષો સુધી કોઈને કહ્યા વગર પોતાના મનમાં જ દબાવી રાખી હતી.
બાળપણના ડર અને શરમની અનુભૂતિ
શો દરમિયાન સાથી સ્પર્ધકો સાથે વાતચીત કરતા સોહેલે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ નાના હતા, ત્યારે કોઈએ તેમની સાથે જાતીય સતામણી કરી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "તે સમયે હું ઘણો નાનો હતો અને આ ઘટનાને મેં વર્ષો સુધી મારા મનમાં જ કેદ કરી રાખી હતી. જોકે મારી કોઈ ભૂલ નહોતી, છતાં તે સમયે મને ખૂબ જ શરમ અને સંકોચ અનુભવાતો હતો, જેના કારણે હું આ વાત કોઈને કહી શક્યો નહોતો."
મોટા થયા પછી પિતા સલીમ ખાનને કરી જાણ
સોહેલ ખાને વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ પુખ્ત વયના થયા અને તેમને આ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ, ત્યારે તેમણે હિંમત એકઠી કરીને આ અંગે પોતાના પિતા, પ્રખ્યાત પટકથા લેખક સલીમ ખાનને જાણ કરી હતી. સોહેલે પિતાને કહ્યું હતું કે, "ડેડી, મારી સાથે આવું કંઈક થયું હતું." પુત્રનો ખુલાસો સાંભળીને સલીમ ખાન પણ આઘાતમાં સરી પડ્યા હતા અને તેમણે પૂછ્યું હતું કે, "બેટા, તું આટલા વર્ષો સુધી આ વાત તારા મનમાં કેમ દબાવી રાખી?"
પોતાના સંતાનોને આપે છે ખાસ શિખામણ
સોહેલ ખાને આ કિસ્સો એવા સમયે શેર કર્યો જ્યારે તેઓ શોમાં રેગિંગ અને ગુંડાગીરી (બુલિંગ) સામે પોતાનો સખત વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળપણના આ દુઃખદ અનુભવે તેમને પિતા તરીકે વધુ સતર્ક બનાવ્યા છે. સોહેલ તેમના પુત્રો નિર્વાન અને યોહાનને હંમેશા શીખવે છે કે જો તેમની સાથે ક્યારેય કોઈ ગુંડાગીરી કરે અથવા તેમને અસ્વસ્થતા અનુભવાય, તો તેમણે ડર્યા કે શરમાયા વગર તરત જ પોતાની પાસે આવીને વાત કરવી જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "ભલે ગમે તે થાય, તમારે કોઈ પણ વાત મનમાં નથી રાખવાની અને મને બધું જ જણાવવાનું છે."
શોમાં સોહેલ ખાનની આ સચ્ચાઈ અને હિંમતની સૌ કોઈએ પ્રશંસા કરી હતી. સાથી સ્પર્ધકોએ તેમને આ પીડાદાયક સત્ય જાહેર કરવા બદલ 'ખૂબ જ બહાદુર' ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોહેલ ખાન લાંબા સમય પછી આ પ્રકારના રિયાલિટી શોમાં જોવા મળી રહ્યા છે અને આ શોમાં તેમણે સ્વીકાર્યું હતું કે, આ સ્પર્ધાએ તેમને જીવનના એવા પાઠ શીખવ્યા છે જે તેમણે છેલ્લા 55 વર્ષમાં પણ નથી શીખ્યા.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
