<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અદાણી પોર્ટ્સની વૈશ્વિક ક્ષેત્રે મોટી સફળતા: આર્જેન્ટિનામાં LNG નિકાસ માટે મરીન સર્વિસનો ઓર્ડર મેળવી દક્ષિણ અમેરિકાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી

૭૦ મિલિયન ડોલર અંદાજે ૬૦૦ કરોડથી વધુનું રોકાણ કરશે, આર્જેન્ટિના અને ભારત વચ્ચે LNG ની નિકાસના કરાર દ્વારા ઊર્જા સંબંધો મજબૂત બનશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૯ :  ભારતની સૌથી મોટી ખાનગી બંદર ઓપરેટર કંપની ⁠અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવો ઈતિહાસ રચ્યો છે. કંપનીએ આર્જેન્ટિનાના સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નિકાસ પ્રોજેક્ટ માટે દરિયાઈ સેવાઓ (મરીન સર્વિસિસ) આપવાનો ૧૦ વર્ષનો લાંબા ગાળાનો કરાર મેળવવામાં સફળતા મેળવી છે. આ મોટી સિદ્ધિ સાથે જ અદાણી ગ્રુપે દક્ષિણ અમેરિકાના ઊર્જા અને લોજિસ્ટિક્સ બજારમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. સધર્ન એનર્જી S.A. (SESA) દ્વારા યોજવામાં આવેલી એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયામાં અદાણી ગ્રુપે બાજી મારી છે. આ ઓર્ડર અદાણી પોર્ટ્સની પેટા કંપની 'ધ અદાણી હાર્બર ઇન્ટરનેશનલ FZCO' અને આર્જેન્ટિનાના 'મેરિડિયન ગ્રુપ' ના સંયુક્ત સાહસ (કન્સોર્ટિયમ) ને મળ્યો છે. આ ભાગીદારીમાં અદાણી હાર્બર ૫૧% અને મેરિડિયન ગ્રુપ ૪૯% હિસ્સો ધરાવે છે. 

આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૭૦ મિલિયન અમેરિકી ડોલર અંદાજે ૬૬૦ કરોડ રૂપિયાનું નું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું વ્યાવસાયિક સંચાલન સપ્ટેમ્બર ૨૦૨૭ થી શરૂ થવાની ધારણા છે. અદાણી ગ્રુપનું આ સાહસ મોટા LNG જહાજો માટે ટગબોટ ઓપરેશન્સ, ઓફશોર લોજિસ્ટિક્સ, સપ્લાય સપોર્ટ અને ક્રૂ ટ્રાન્સફર (કર્મચારીઓની હેરફેર) જેવી તમામ મરીન સેવાઓ પૂરી પાડશે. આ માટે કંપની ૪ અત્યાધુનિક ટગબોટ, ૧ એન્કર હેન્ડલિંગ વેશલ અને ૧ ક્રૂ બોટ તૈનાત કરશે. 

આર્જેન્ટિના હાલમાં વૈશ્વિક સ્તરે એક મોટા LNG સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ ૨૦૨૭ થી આર્જેન્ટિનાથી ભારતમાં વાર્ષિક ૧૦ મિલિયન ટન સુધીની LNG નિકાસ કરવાનો પ્લાન છે. અદાણી પોર્ટ્સને મળેલો આ ઓર્ડર ભારત અને આર્જેન્ટિના વચ્ચે ઊર્જા સંબંધોને વધુ મજબૂત બનાવશે અને ભારતીય બજાર માટે ગેસ પુરવઠો મેળવવામાં સરળતા રહેશે.

(9:35 AM IST)