News of Monday, 13th July 2026
નાગરિકતા નક્કી કરવાની પ્રક્રિયામાં ન્યાયિક સિદ્ધાંતોનું પાલન અનિવાર્ય: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્દેશ
આસામના ૨૭ લોકોની નાગરિકતા મામલે ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના આદેશો રદ; ફરીથી સુનાવણી કરવા આદેશ, અરજદારો સામે કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી પર પ્રતિબંધ

નવી દિલ્હી:કોઈપણ વ્યક્તિને વિદેશી જાહેર કરવાની કે નાગરિકતા નક્કી કરવાની પ્રક્રિયા અત્યંત ગંભીર હોવાનું ભારપૂર્વક જણાવતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયા ન્યાયિક સિદ્ધાંતોને અનુરૂપ અને સંપૂર્ણપણે પારદર્શક તથા નિષ્પક્ષ હોવી જોઈએ. આસામમાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા ૨૭ લોકોને 'વિદેશી' જાહેર કરવાના વિવાદાસ્પદ મામલામાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને કડક વલણ અપનાવ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
આસામમાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા ૨૭ વ્યક્તિઓને 'વિદેશી' જાહેર કરવામાં આવ્યા હતા. આ આદેશોને વિવિધ તબક્કે પડકારવામાં આવ્યા હતા, પરંતુ ગુવાહાટી હાઈકોર્ટમાંથી તેમને રાહત મળી ન હતી. આથી, આ તમામ અરજદારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટનો આદેશ
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે, નાગરિકતા જેવા સંવેદનશીલ મુદ્દા પર નિર્ણય લેતી વખતે ન્યાયના પાયાના સિદ્ધાંતો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થઈ શકે નહીં. સર્વોચ્ચ અદાલતે ગુવાહાટી હાઈકોર્ટ અને ફોરેનર્સ ટ્રિબ્યુનલના અગાઉના તમામ ૨૭ આદેશોને રદબાતલ જાહેર કર્યા છે.
કોર્ટે સંબંધિત ટ્રિબ્યુનલોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આ તમામ ૨૭ કેસોની ફરીથી નવેસરથી સુનાવણી હાથ ધરે. જ્યાં સુધી આ મામલાઓમાં ટ્રિબ્યુનલ દ્વારા નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી, કોઈપણ પક્ષ કે સત્તામંડળ દ્વારા આ અરજદારો વિરુદ્ધ કોઈપણ પ્રકારની શિક્ષાત્મક કે કોર્સીવ (coercive) કાર્યવાહી કરવામાં આવશે નહીં, તેવી સ્પષ્ટ તાકીદ પણ કોર્ટે કરી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
