તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 25th June 2026
૪૧ વર્ષ લાંબી રાહ બાદ કેનેડા નમ્યું, સ્વીકારી કડવી સચ્ચાઈ: ૧૯૮૫ના ‘એર ઇન્ડિયા કનિષ્ક’ બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ જ જવાબદાર; કેનેડિયન જાસૂસી એજન્સી CSISનો સત્તાવાર સ્વીકાર
ભારતની વર્ષો જૂની રજૂઆત પર આખરે કેનેડાની મહોર; આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય સ્મૃતિ દિવસે કેનેડાએ પોતાની ધરતી પરથી ઓપરેટ થતા અલગતાવાદીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, ૩૨૯ નિર્દોષોના પરિવારોને મળ્યો ન્યાય

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મોરચે (Diplomatic Front) ભારત માટે એક બહુ મોટો અને ઐતિહાસિક વિજય સામે આવ્યો છે. વર્ષ ૧૯૮૫માં થયેલા ભયાનક એર ઇન્ડિયા ‘કનિષ્ક’ ફ્લાઇટ ૧૮૨ બોમ્બ બ્લાસ્ટ મામલે કેનેડા સરકારે ૪૧ વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ કાયરતાપૂર્ણ હુમલા પાછળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો જ હાથ હતો. કેનેડાની સર્વોચ્ચ ગુપ્તચર એજન્સી ‘કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ’ (CSIS) એ સત્તાવાર રીતે પ્રથમ વખત "કેનેડા સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ" શબ્દનો સ્પષ્ટ ઉપયોગ કરીને આતંકવાદીઓની સંડોવણીનો સ્વીકાર કર્યો છે.
આતંકવાદના શહીદોની યાદમાં કેનેડાનો મોટો ખુલાસો
દર વર્ષે ૨૩ જૂનના રોજ મનાવવામાં આવતા 'આતંકવાદના ભોગ બન્યા હોય તેવા લોકો માટેના રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ' નિમિત્તે કેનેડિયન એજન્સી CSIS એ સોશિયલ મીડિયા પર એક સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. આ મેસેજમાં કનિષ્ક વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપતા એજન્સીએ લખ્યું કે, "૨૩ જૂન, ૧૯૮૫ ના રોજ, કેનેડાની ધરતી પરથી સક્રિય એવા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા પ્લેનમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે વિમાન હવામાં જ નાશ પામ્યું હતું. આ હુમલામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના કેનેડિયન નાગરિકો હતા." કેનેડામાં આટલા વર્ષોથી આતંકીઓને આડકતરું મળતું સમર્થન અને ભારતની ચિંતાઓ વચ્ચે આ પ્રકારની સત્તાવાર કબૂલાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કેનેડાના ઇતિહાસનો સૌથી કાળો અને ઘાતક હુમલો
વર્ષ ૧૯૮૫ની એ ગોઝારી ઘટના આજે પણ ભારત અને કેનેડા બંને દેશોના ઈતિહાસના સૌથી કાળા પ્રકરણ તરીકે નોંધાયેલી છે. મોન્ટ્રીયલથી લંડન થઈને નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૮૨ ‘કનિષ્ક’ જ્યારે આયર્લેન્ડના દરિયાકાંઠે એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થઈ રહી હતી, ત્યારે જ સામાન (Luggage) માં છુપાવીને રાખવામાં આવેલો બોમ્બ જોરદાર ધડાકા સાથે ફાટ્યો હતો. આ આતંકી હુમલામાં વિમાનમાં સવાર તમામ ૩૨૯ નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જેમાં ૨૬૮ કેનેડિયન નાગરિકો (જેમાં મોટાભાગના ભારતીય મૂળના હતા) નો સમાવેશ થાય છે. આ કેનેડાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક આતંકવાદી હુમલો છે.
આ દુર્ઘટનાએ કેનેડાની સુરક્ષા વ્યવસ્થા બદલી નાખી
કેનેડાની જાસૂસી સંસ્થા CSIS એ વધુમાં નોંધ્યું છે કે, જ્યારે આ ભયાનક દુર્ઘટના ઘટી ત્યારે તેમની એજન્સીની સ્થાપનાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નહોતું. આ કનિષ્ક બ્લાસ્ટની તબાહીએ જ કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા માળખા અને કાઉન્ટર-ટેરરિઝમ પોલિસીને નવો આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એજન્સીએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ચાર દાયકાથી પોતાના નાગરિકોને રાજકીય, ધાર્મિક કે વૈચારિક રીતે પ્રેરિત હિંસાથી બચાવવા માટે કટિબદ્ધ છે. ભારત લાંબા સમયથી કેનેડાની ધરતી પર પલતા ખાલિસ્તાની આતંકવાદીઓ સામે પુરાવા આપી રહ્યું હતું, ત્યારે કેનેડાની પોતાની જ ટોચની એજન્સી દ્વારા કરાયેલો આ ખુલાસો વૈશ્વિક મંચ પર ભારતની આતંકવાદ વિરોધી લડતને વધુ મજબૂત કરશે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
