<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

દેશભરમાં ચોમાસાના આગમન બાદ અચાનક મેઘરાજાએ વિરામ લેતા ખેતી અને જનજીવન પર આફત: સેટેલાઇટ તસવીરોમાં 80 ટકા ભારતના આકાશમાંથી વાદળો ગાયબ

​દૂરના પ્રશાંત મહાસાગરમાં સક્રિય વાવાઝોડાએ ભારત તરફ આવતા વરસાદી ભેજને ખેંચી લેતા મોન્સૂન ટ્રફ નબળી પડી: જુલાઈમાં સામાન્ય કરતાં ઓછા વરસાદ અને અસહ્ય ઉકળાટની આશંકા

​નવી દિલ્હી:ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને હવામાન વિભાગ તરફથી એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. સમગ્ર દેશમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી ગયાના ગણતરીના દિવસોમાં જ વરસાદી ગતિવિધિઓ પર અચાનક 'બ્રેક' લાગી ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં દેશના લગભગ 70 થી 80 ટકા વિસ્તારમાં આકાશ સાફ અને વાદળો વિનાનું જોવા મળતા હવામાન વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા છે.

​ચોમાસાની નબળી સ્થિતિ પાછળનું વૈજ્ઞાનિક કારણ

હવામાન વિભાગના નિષ્ણાતોના મતે, ભારતીય ચોમાસાની આ નબળી સ્થિતિ પાછળનું મુખ્ય કારણ ભારતની બહારની ભૌગોલિક ઘટના છે. હાલમાં ભારતથી હજારો કિલોમીટર દૂર પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી ચક્રવાત સક્રિય બન્યું છે. આ ચક્રવાતી સિસ્ટમે હિંદ મહાસાગરમાંથી ભારત તરફ આવતા ભેજયુક્ત પવનોને પોતાની તરફ ખેંચી લીધા છે. પરિણામે, ભારતની ઉપર સક્રિય રહેતી 'મોન્સૂન ટ્રફ' (વરસાદી રેખા) નબળી પડી ગઈ છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદી ગતિવિધિઓ થંભી ગઈ છે.

​જૂનની કમી અને જુલાઈમાં અનિશ્ચિતતા

ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત અત્યંત નબળી રહી હતી. જૂન મહિનાના અંત સુધીમાં દેશમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા કેટલાક વર્ષોની સૌથી નબળી શરૂઆત ગણાય છે. જોકે, જુલાઈના પ્રથમ સપ્તાહમાં થયેલા વરસાદથી આ ખાધ ઘટીને 14 ટકા સુધી આવી હતી, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ મધ્ય ભારતના અનેક રાજ્યો હજુ પણ પાણીની તંગી અને ઓછા વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

​ગરમી અને ઉકળાટ વધવાની ચેતવણી

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, જ્યાં સુધી પ્રશાંત મહાસાગરના આ ચક્રવાતની અસર ઓછી નહીં થાય, ત્યાં સુધી ભારતમાં વરસાદનો આગામી સક્રિય તબક્કો શરૂ થવાની શક્યતા ઓછી છે. આ દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતા વધુ તાપમાન અને બફારો કે અસહ્ય ઉકળાટ અનુભવાઈ શકે છે. સાથે જ, વૈજ્ઞાનિકો પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલી 'અલ-નીનો' (El Nino) ની સ્થિતિ પર પણ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બને છે, તો જુલાઈ મહિનામાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઘણું ઓછું રહેવાની આશંકા છે.

​હાલમાં માત્ર ઉત્તર-પૂર્વ ભારત, સિક્કિમ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જ છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દેશના અન્ય વિસ્તારોએ ફરી એકવાર મેઘરાજાની કૃપાની રાહ જોવી પડશે.

(9:59 PM IST)