તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Saturday, 26th September 2026
લડાખમાં બનેલી હિંસક ઘટનાઓની ગંભીરતા દર્શાવવા જતાં થયેલા વિવાદ બાદ જાણીતા પર્યાવરણવિદ્દ સોનમ વાંગચુકે સ્પષ્ટતા સાથે દિલગીરી વ્યક્ત કરી; કહ્યું – ‘તુલના પાછળ કોઈની લાગણી દુભવવાનો આશય નહોતો’
લેહ ખાતે ભૂતકાળમાં નિર્દોષ નાગરિકો પર થયેલા પોલીસ દમન અને હિંસાની ભયાનકતા સરખાવતી વેળાએ તિબેટના સંદર્ભ અંગે વિવાદ સર્જાતાં વાંગચુકે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો; તિબેટીયન સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બિનશરતી માફી માંગી

લેહ / જમ્મુ: ચીન શાસિત તિબેટની સ્થિતિ સાથે લડાખના તાજેતરના કટોકટીભર્યા વાતાવરણ સરખાવવા અંગે ઉદ્ભવેલા વિવાદ બાદ જાણીતા પર્યાવરણવિદ્દ અને શિક્ષણવિદ્દ સોનમ વાંગચુકે જાહેર સ્પષ્ટતા કરીને દિલથી માફી માંગી લીધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમનો હેતુ પોતાના વહાલા તિબેટીયન મિત્રો કે અન્ય કોઈ સમુદાયની લાગણીઓને દુભવવાનો કે તેમની યાતનાઓને ઓછી આંકવાનો બિલકુલ નહોતો.
સમગ્ર મામલા અંગે સ્પષ્ટતા કરતા વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, લેહમાં બનેલી કમનસીબ અને હિંસક ઘટનાઓ દરમિયાન સ્થાનિક લોકોએ જે આઘાતજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તેને ઉજાગર કરવાનો જ તેમનો એકમાત્ર પ્રયાસ હતો. લેહમાં થયેલી હિંસામાં ૪ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, ૮૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા અને અનેક લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા હતા. તે ચોક્કસ દિવસની પરિસ્થિતિની ભયાનકતા દર્શાવવા માટે તેમણે સંકેત આપ્યો હતો.
તેમણે ઉમેર્યું કે તિબેટીયન પ્રજાએ દાયકાઓ સુધી જે અમાનુષી અત્યાચાર અને યાતનાઓ વેઠી છે તેની સાથે આખી સફરની તુલના કરવાનો કોઈ ઈરાદાપૂર્વકનો પ્રયાસ નહોતો, પરંતુ માત્ર તે ખાસ દિવસના દમનને દર્શાવવા પૂરતો જ આ સંદર્ભ લેવાયો હતો. લડાખ હંમેશા ભારત સાથે ખુશહાલ રહ્યું છે, પરંતુ તાજેતરનો સમયગાળો સ્થાનિકો માટે અત્યંત મુશ્કેલ રહ્યો છે.
વિવાદ વધતાં સોનમ વાંગચુકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "હું સમજી શકું છું કે મારી આ તુલનાથી આપણા ઘણા તિબેટીયન મિત્રોને દુઃખ પહોંચ્યું છે. હું તિબેટ પરના ચીની દમનનો હંમેશાં વિરોધ કરતો આવ્યો છું અને તેમના દર્દને સારી રીતે ઓળખું છું. જો મારા નિવેદનથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમાયાચના કરું છું."
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
