<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

દીકરાના મોત બાદ સાસુએ વહુના બીજા લગ્ન કરાવ્‍યા : દિયરે ભાઈ બનીને કન્‍યાદાન કર્યું

લગ્ન બાદ સાસુએ વહુને દીકરીની માફક વિદાય કરી અને જિંદગીભરનો સંબંધ નિભાવવાનું આશ્વાસન પણ આપ્‍યું : સમાજ માટે અનોખો દાખલા

મુઝફફરનગરઃ તા.૨૫: ઉત્તર પ્રદેશના મુઝફફરનગરમાં એક પરિવારે એવો દાખલો બેસાડ્‍યો છે, જેની ચર્ચા હવે આખા વિસ્‍તારમાં થઈ રહી છે. પતિના મોત બાદ સાસુએ પોતાની વહુને દીકરાની માફક નહીં પણ દીકરી માનીને તેના બીજા લગ્ન કરાવ્‍યા. ખાસ વાત તો એ છે કે દિયરે પણ આ લગ્નમાં ભાઈની ભૂમિકા નિભાવી અને ભાભીનું કન્‍યાદાન કર્યું. લગ્ન બાદ સાસુએ વહુને દીકરીની માફક વિદાય કરી અને જિંદગીભરનો સંબંધ નિભાવવાનું આશ્વાસન પણ આપ્‍યું.

હકીકતમાં જોઈએ તો, ખતૌલી વિસ્‍તારના દયાલપુર ગામના રોહિતના લગ્ન લગભગ ૧૦ વર્ષ પહેલા હરિદ્વારના બહાદુરપુરની રહેવાસી મિનાક્ષી સાથે થયા હતા. બંનેની જિદગી રાજીખુશીથી ચાલી રહી હતી. બંનેને બે દીકરીઓ પણ હતી. એક સાત વર્ષની રિતુ અને બીજી દોઢ વર્ષની અવિકા છે. પણ ઓગસ્‍ટમાં પરિવાર પર એક દુઃખનો મોટો પહાડ તૂટી પડ્‍યો. ૧૪ ઓગસ્‍ટના રોજ રોહિતના પિતા અને રાજામિષાી ઓમપાલનું નિધન થઈ ગયું. તેના બીજા જ દિવસે ૧૫ ઓગસ્‍ટના રોજ કેન્‍સરથી ઝઝૂમી રહેલા રોહિતનું પણ મોત થઈ ગયું.

પતિ અને સસરાના મોત બાદ મિનાક્ષી સામે બે દીકરીઓ સાથે આખી જિદગી વિતાવવાનો મોટો પડકાર આવ્‍યો. પરિવારે સમાજની ચિંતા કર્યા વિના મિનાક્ષીના ભવિષ્‍ય વિશે વિચાર્યું. સાસુ સુનિતાએ વહુના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. ત્‍યાર બાદ રાજસ્‍થાનના નારાયણપુરમાં ચાટની દુકાન ચલાવતા યોગેશ સાથે મિનાક્ષીના લગ્ન નક્કી કર્યા. બુધવારે આર્ય સમાજ મંદિરમાં રીતિ-રિવાજ સાથે આ લગ્ન થયા.

આ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે, જ્‍યારે મિનાક્ષીના દિયર મોહિતે પોતાની ભાભીને બહેન માનીને તેનું કન્‍યાદાન કર્યું. સાસુએ પણ વહુને દીકરીની માફક વિદાય આપી. મિનાક્ષીએ સ્‍પષ્ટ કહ્યું કે, તે આ લગ્ન પોતાની મરજીથી કરી રહી છે અને તેના પર કોઈનું દબાણ નથી. તે પરિવારનું કહેવું છે કે, આ નિર્ણયમાં સૌથી મહત્ત્વની મિનાક્ષીની સહમતિ છે.

દિયર મોહિતનું કહેવું છે કે, ભાભીની જિદગી હજુ લાંબી છે અને બંને બાળકીઓનું ભવિષ્‍ય પણ જોડાયેલું છે. એટલા માટે પરિવારની મંજૂરી સાથે આ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હજુ પણ તેમનો પરિવાર મિનાક્ષી અને તેની બંને દીકરી સાથે કાયમ ઊભો રહેશે. સુનિતાએ વહુને દીકરી માનીને વિદાય આપી. તેમનું કહેવું છે કે, દીકરાના મોત બાદ વહુને આખી જિંદગી એકલા રહેવા મજબૂર કરવા યોગ્‍ય નથી. તેમણે મિનાક્ષીને આગળ પણ દીકરીની માફક તહેવાર પર ઘરે બોલાવવા અને દરેક સુખ-દુઃખમાં સાથે ઊભા રહેવાની વાત કહી છે.

 

(9:53 AM IST)