News of Saturday, 24th October 2026
ઈરાન બાદ ક્યુબાનો વારો : ટ્રમ્પની નવી ધમકી: ઈરાનથી પરત ફરતાં ક્યુબાનું પણ કામ પતાવીશું : ટ્રમ્પની ધમકીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ
અમેરિકી યુદ્ધજહાજો ક્યુબાના દરિયાકાંઠે પહોંચશે, ત્યારબાદ માર્કો રુબિયોને મોકલીશું : ફ્લોરિડાની સભામાં ટ્રમ્પનું નિવેદન

વોશિંગ્ટન, તા. ૨૪ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન બાદ ક્યુબા સામે કાર્યવાહી કરવાનો સંકેત આપતાં નવી ચર્ચા જગાવી છે. જોકે ક્યુબા સામે લશ્કરી હુમલાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના ફોર્ટ માયર્સ ખાતે શુક્રવારે યોજાયેલી ચૂંટણી પ્રચારસભામાં ઈરાન બાદ ક્યુબા અંગે આપેલા નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનથી પાછા ફરતી વખતે અમે ક્યુબાનું પણ ધ્યાન રાખીશું.
સભામાં એક વ્યક્તિએ ક્યુબા વિશે પ્રશ્ન કરતાં ટ્રમ્પે કહ્યું કે, ઈરાનથી પરત ફરતાં અમેરિકાનાં સુંદર યુદ્ધજહાજો ક્યુબા પાસેથી પસાર થશે. તેમાંથી એક જહાજ ક્યુબાના દરિયાકાંઠાથી લગભગ ૫૦ યાર્ડ દૂર રોકાશે. ત્યારબાદ વિદેશમંત્રી માર્કો રુબિયોને બાકીનું કામ પૂરું કરવા મોકલવામાં આવશે.
ટ્રમ્પે અગાઉ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીને સફળ ગણાવી હતી અને ઈરાન સામેની અમેરિકી નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. ક્યુબા અંગેની તેમની ટિપ્પણી આ સંદર્ભમાં આવી હતી.
દરમિયાન અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ ક્યુબામાં રાજકીય પરિવર્તન ઇચ્છતા લોકોને આગળ આવવા અપીલ કરી છે. તેમણે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સાથે સહકાર સાધવાની વાત પણ કરી હતી.
જોકે ટ્રમ્પના નિવેદનને ક્યુબા સામે યુદ્ધની સત્તાવાર જાહેરાત ગણી શકાય નહીં. અમેરિકાએ ક્યુબા સામે કોઈ નવા લશ્કરી અભિયાનની તારીખ કે વિગત જાહેર કરી નથી. તેમ છતાં ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ક્યુબાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પના આગામી પગલાં અંગે સવાલો ઊભા થયા છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
