News of Tuesday, 5th May 2026
વિશ્વમાં ભારતીયોનો ડંકો: અમેરિકા અને UAE બન્યા સ્થળાંતર કરનારાઓનું સૌથી મોટું સરનામું, UN રિપોર્ટમાં મોટો ખુલાસો
વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026: ભારત-UAE અને ભારત-US વચ્ચેના કોરિડોર વિશ્વના ટોચના 10માં સામેલ : 3.2 મિલિયનથી વધુ ભારતીયોના અમેરિકામાં વસવાટ સાથે મેક્સિકો પછી ભારત બીજા ક્રમે

નવી દિલ્હી : યુનાઇટેડ નેશન્સ ની એજન્સી દ્વારા જારી કરાયેલા 'વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026' એ સાબિત કરી દીધું છે કે ભારતીય પ્રતિભા અને શ્રમની વૈશ્વિક સ્તરે ભારે માંગ છે. અહેવાલ મુજબ, વર્ષ 2024માં ભારત-UAE કોરિડોર વિશ્વનો પાંચમો અને ભારત-US કોરિડોર છઠ્ઠો સૌથી મોટો સ્થળાંતર કોરિડોર બન્યો છે. હાલમાં વિશ્વમાં અંદાજે 304 મિલિયન લોકો પોતાના જન્મના દેશ સિવાય અન્ય દેશોમાં વસી રહ્યા છે, જેમાં ભારતીયોની સંખ્યામાં થયેલો તોતિંગ વધારો ઉડીને આંખે વળગે તેવો છે. ગલ્ફ દેશોમાં શ્રમિકો અને પ્રોફેશનલ્સની બોલબાલા છે, તો અમેરિકામાં ભારતીયો ટેકનોલોજી અને એજ્યુકેશન ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે.
અમેરિકાના સંદર્ભમાં જોઈએ તો, મેક્સિકો પછી વિદેશમાં જન્મેલા લોકોમાં ભારતીયોનો સમૂહ સૌથી મોટો છે. વર્ષ 2024ના મધ્ય સુધીના આંકડા મુજબ, આશરે 3.2 મિલિયન ભારતીયો અમેરિકામાં વસવાટ કરે છે, જોકે અન્ય અંદાજો આ સંખ્યા 50 લાખની આસપાસ હોવાનું સૂચવે છે. ખાસ વાત એ છે કે, ચીન (2.5 મિલિયન) અને ફિલિપાઈન્સ (2.3 મિલિયન) ને પાછળ છોડીને ભારતીય સ્થળાંતર કરનારાઓ હવે અમેરિકાના અર્થતંત્ર અને સામાજિક માળખામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતમાંથી આવતા ઉચ્ચ કુશળ કામદારો અને વિદ્યાર્થીઓનો પ્રવાહ અમેરિકાને એક 'નોલેજ હબ' તરીકે ટકાવી રાખવામાં મદદરૂપ થઈ રહ્યો છે.
બીજી તરફ, UAE માં સ્થિતિ થોડી અલગ છે પરંતુ તેટલી જ પ્રભાવશાળી છે. UAE માં રહેતા 8 મિલિયનથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારાઓમાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો છે. આ કોરિડોર મુખ્યત્વે કામદારો પર આધારિત છે જે ગલ્ફ દેશોના માળખાગત વિકાસમાં મોટું યોગદાન આપે છે. વૈશ્વિક સ્તરે સ્થળાંતર કરનારાઓનો હિસ્સો 1990 માં 2.9% હતો જે હવે વધીને 3.7% થવાની તૈયારીમાં છે. મેક્સિકો-US કોરિડોર ભલે વિશ્વમાં પ્રથમ ક્રમે હોય, પરંતુ એશિયાઈ દેશોમાં ભારત જે રીતે વૈશ્વિક નકશા પર ઉભરી રહ્યું છે તે જોતા આગામી દાયકાઓમાં આ આંકડાઓ હજુ પણ નવા રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
