News of Thursday, 17th September 2026
રાજકારણ છોડી હવે મનોરંજનની દુનિયામાં ધમાકો કરશે શહેઝાદ પૂનાવાલા: પ્રાઈમ વિડીયોના રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ ૨' થી કરશે ભવ્ય ડેબ્યૂ!
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી: રિયાલિટી શોમાં સ્વરા ભાસ્કર, કરણ પટેલ અને પ્રિયંકા ચહર ચૌધરી સાથે આવશે નજરે, વીરેન્દ્ર સેહવાગ કરશે હોસ્ટ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રવક્તા પદેથી અચાનક રાજીનામું આપીને દેશના રાજકારણમાં ખળભળાટ મચાવનારા શહેઝાદ પૂનાવાલા હવે એક સાવ નવા જ અવતારમાં જોવા મળશે. ભાજપ છોડ્યા બાદ તેઓ કઈ નવી રાજકીય ઈનિંગ શરૂ કરશે તે અંગે ચાલતી તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. શહેઝાદ પૂનાવાલા હવે મનોરંજન ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યા છે અને તેઓ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઈમ વિડીયોના લોકપ્રિય રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ' ની સીઝન ૨ માં જોવા મળશે. ઓનલાઈન રિલીઝ થયેલા ટ્રેલર બાદ તેમની એન્ટ્રી પર સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે.
આ ચર્ચિત રિયાલિટી શોમાં શહેઝાદ પૂનાવાલાની સાથે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, બિગ બોસ ફેમ પ્રિયંકા ચહર ચૌધરી અને જાણીતા ટીવી એક્ટર કરણ પટેલ જેવા પ્રખ્યાત કલાકારો પણ સ્પર્ધક તરીકે જોવા મળશે. પૂનાવાલાએ તાજેતરમાં જ ભાજપમાંથી પોતાના રાજીનામા અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમણે અંગત અને નાણાકીય પરિસ્થિતિઓને કારણે આ કઠિન નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના દેશહિતના વિઝનને સમર્થન આપવાનું ચાલુ જ રાખશે.
પોતાના નવા રિયાલિટી શો વિશે વાત કરતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, આ શોનું શીર્ષક તેમના પોતાના જીવનના ઉતાર-ચઢાવને પ્રતિબિંબિત કરે છે. જીવનમાં એક પ્રકરણ પૂર્ણ થતાં જ પડકારો અને તકોથી ભરેલો નવો અધ્યાય શરૂ થાય છે. તેમના ભાઈ અને જાણીતા રાજકીય વિવેચક તેહસીન પૂનાવાલાએ પણ આ નવી સફર માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 'બનજય એશિયા' દ્વારા નિર્મિત આ શો ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પ્રીમિયર થશે અને દરરોજ બપોરે ૧૨ વાગ્યે પ્રાઇમ વિડીયો તેમજ MX પ્લેયર પર સ્ટ્રીમ થશે. આ વખતે આ શોને પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ હોસ્ટ કરવા જઈ રહ્યા છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
