<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

NEET પછી હવે UGC-NET પરીક્ષાનું પેપર પણ લીક થયાનો પ્રચંડ હોબાળો : સોશિયોલોજીના પેપરના ૯૦ સવાલો બેઠેબેઠા સોશિયલ મીડિયા પર વાયરલ થયાનો દાવો

એક્ઝામ પહેલાં જ ૧૦૦ પાનાની શંકાસ્પદ પીડીએફ ફરતી થઈ : બિહાર-યુપી સહિત પાંચ રાજ્યોમાં રૂ. ૨.૨૫ લાખમાં પેપર વેચાયું હોવાના ગંભીર આક્ષેપો : વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા : શિક્ષણ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સીઓમાં સ્થાન ધરાવતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા 'નીટ-યુજી' (NEET) ના પેપર લીકનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે 'યુજીસી-નેટ' (UGC-NET) પરીક્ષાને લઈને પણ અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે. એવો મજબૂત દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત ૩૦ જૂન ૨૦૨૬ના રોજ યોજાયેલી યુજીસી-નેટની સોશિયોલોજી (સમાજશાસ્ત્ર) વિષયની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ અંદાજે ૧૦૦ પાનાની એક પીડીએફ ફાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. આ વાયરલ દસ્તાવેજમાં આપેલા પ્રશ્નોમાંથી અંદાજે ૯૦ જેટલા સવાલો અસલી પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મળી આવ્યા છે. આ ખુલાસા બાદ પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને એનટીએની સમગ્ર કાર્યપ્રણાલી સામે ફરી સવાલો ઊભા થયા છે.

 

પરીક્ષા બપોરે હતી અને પીડીએફ સવારે જ વાયરલ થઈ ગઈ: મેટાડેટાથી ભાંડો ફૂટ્યો:

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના જણાવ્યા અનુસાર, પરીક્ષા શરૂ થાય તે પૂર્વે સોશિયલ મીડિયા પર જે ૧૦૦ પાનાની પીડીએફ શેર થઈ રહી હતી, તે કોઈ સામાન્ય અભ્યાસના નોટ્સ નહોતી પરંતુ પ્રશ્નપત્ર તૈયાર કરવા સાથે જોડાયેલો ગુપ્ત દસ્તાવેજ હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓએ સરખામણી કરી તો આ પીડીએફમાં આપેલા ૯૦ જેટલા પ્રશ્નો અને તેના વૈકલ્પિક જવાબો (ઓપ્શન્સ) અસલી પરીક્ષાના પેપર સાથે સંપૂર્ણપણે મેળ ખાતા હતા. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ પીડીએફ ફાઈલનું મેટાડેટા ચેક કરતાં તે પરીક્ષાના દિવસની સવારનું હોવાનું સામે આવ્યું છે, જ્યારે સત્તાવાર પરીક્ષા બપોરના સમયે યોજાવાની હતી. આ તફાવતને કારણે જ પેપર લીક થયું હોવાની આશંકા બળવત્તર બની છે.

 

પાંચ રાજ્યોમાં ૨.૨૫ લાખ રૂપિયામાં પેપરનો સોદો કરાયો, અન્ય પરીક્ષાઓ પણ રડારમાં:

આ ચકચારી વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે એવા અહેવાલો આવ્યા કે આ કથિત પ્રશ્નપત્ર બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આશરે ૨.૨૫ લાખ રૂપિયાની મોટી રકમમાં વેચવામાં આવી રહ્યું હતું. કેટલાક વિદ્યાર્થી સંગઠનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એવો પણ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે પેપર લીક કરનાર આ આખી ગેંગના નેટવર્કે આગામી સમયમાં યોજાનારી CSIR-NET, HTET અને ADA જેવી મહત્વની પરીક્ષાઓના પેપરો પણ એડવાન્સમાં ઉપલબ્ધ કરાવી દેવાના વાયદા કર્યા હતા.

 

સરકાર આંખો મીંચીને બેઠી છે, વિદ્યાર્થીઓની મહેનતની કોઈ કિંમત નથી: રાહુલ ગાંધી:

યુજીસી-નેટ પરીક્ષાના પેપર પર ઉઠેલા આ ગંભીર સવાલો વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ મેદાનમાં આવીને કેન્દ્ર સરકાર અને પરીક્ષા એજન્સી એનટીએ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર તૈયાર કરવા સંબંધિત સત્તાવાર દસ્તાવેજો બહાર આવી જવા તે અત્યંત ગંભીર બાબત છે. વાયરલ પીડીએફના અનેક પ્રશ્નો અસલી સોશિયોલોજી પેપર સાથે એક સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે આ કથિત પ્રશ્નપત્ર દેશના જુદા-જુદા રાજ્યોમાં લાખો રૂપિયામાં વેચાયું છે. વારંવાર થતી આવી ગેરરીતિઓ છતાં સરકાર આંખો મીંચીને બેઠી છે કારણ કે દેશના હોનહાર વિદ્યાર્થીઓની મહેનતની તેમના મન કોઈ કિંમત નથી. વિદ્યાર્થીઓને કોઈ જવાબદારી કે ન્યાય મળી રહ્યો નથી. બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર વધતા વિવાદને જોતા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ તમામ આરોપોને ગંભીરતાથી લીધા છે અને એનટીએ પાસે આ મામલે તાત્કાલિક સંપૂર્ણ તપાસ કરીને તથ્યો રજૂ કરવા આદેશ આપ્યો છે.

(1:05 PM IST)