News of Thursday, 26th November 2026
બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડ્યા બાદ ફિલ્મ ‘હનુમાન અંશ’ બે-બે દિગ્ગજ ઓટીટી પ્લેટફોર્મ પર એકસાથે ધૂમ મચાવશે
27 નવેમ્બરે SonyLIV પર હિન્દીમાં અને 29 નવેમ્બરે Netflix પર ગુજરાતી સહિત 5 ભાષામાં જુઓ.

નીમ કરોલી બાબાના જીવન અને તેમના દિવ્ય ચમત્કારો પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’એ ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેની કલ્પના ખુદ ફિલ્મના મેકર્સે પણ નહોતી કરી. જે ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયા બાદ કોઈ ઓટીટી (OTT) પ્લેટફોર્મ ખરીદવા માટે તૈયાર નહોતું, તે જ ફિલ્મ હવે એક નહીં પરંતુ બે-બે દિગ્ગજ ઓટીટી પ્લેટફોર્મ પર એકસાથે ધૂમ મચાવવા જઈ રહી છે.
બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડ્યા બાદ હવે દર્શકો આ ફિલ્મની ડિજિટલ રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે પણ કોઈ કારણસર આ ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોવ, તો હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે. આ ફિલ્મ 27 નવેમ્બર અને 29 નવેમ્બર એમ બે અલગ-અલગ તારીખે અલગ-અલગ ભાષાઓમાં સ્ટ્રીમ થવા જઈ રહી છે.
ફિલ્મના ડિજિટલ રાઈટ્સને લઈને મેકર્સે એક ખાસ રણનીતિ અપનાવી છે, જેના કારણે હિન્દી અને પ્રાદેશિક ભાષાના દર્શકોને અલગ-અલગ પ્લેટફોર્મ પર આ ફિલ્મ જોવા મળશે.
જો તમે આ ફિલ્મ હિન્દી ભાષામાં જોવા માંગતા હોવ, તો તમારે વધુ રાહ જોવાની જરૂર નથી. 27 નવેમ્બરથી ‘હનુમાન અંશ’ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ (SonyLIV) પર સ્ટ્રીમ થશે. જોકે, સોની લિવ પર આ ફિલ્મ માત્ર હિન્દી ભાષામાં જ ઉપલબ્ધ રહેશે. આ અંગેની સત્તાવાર જાહેરાત એક મહિના પહેલા જ કરી દેવામાં આવી હતી.
હિન્દી સિવાયની અન્ય ભાષાના દર્શકો માટે નેટફ્લિક્સ ઈન્ડિયાએ મોટી સરપ્રાઈઝ આપી છે. 29 નવેમ્બરથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે ગુજરાતી દર્શકો માટે આ ફિલ્મ ગુજરાતીમાં સ્ટ્રીમ થશે. આ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ કુલ પાંચ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નેટફ્લિક્સ ઈન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મની જાહેરાત કરતા ખૂબ જ ભાવુક કેપ્શન લખ્યું છે કે-
આસ્થાએ તેમનું જીવન બદલી નાખ્યું અને તેમની ભક્તિએ હજારો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું. ભગવાન હનુમાનના એક પરમ ભક્તની દિવ્ય ગાથા હવે જુઓ નેટફ્લિક્સ પર.
7 ઓગસ્ટના રોજ જ્યારે ‘હનુમાન અંશ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારે શરૂઆતના દિવસોમાં તેને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. મોટા સ્ટાર્સ કે ભારેખમ પ્રમોશનના અભાવે શરૂઆતમાં થિયેટરો ખાલી જોવા મળ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે સારી વાર્તા અને શ્રદ્ધાને કોઈ રોકી શકતું નથી. માઉથ પબ્લિસિટીના જોરે ફિલ્મે એવી ગતિ પકડી કે જોતજોતામાં થિયેટરો હાઉસફુલ થવા લાગ્યા.
આ ફિલ્મનું કુલ બજેટ માત્ર 2 કરોડ રૂપિયાની આસપાસ હતું, પરંતુ ઘરેલુ બોક્સ ઓફિસ પર તેણે 400 કરોડ રૂપિયાથી પણ વધુનો બિઝનેસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. પોતાના બજેટ કરતા લગભગ 250 ગણી વધુ કમાણી કરીને ‘હનુમાન અંશ’ ભારતીય સિનેમાની સૌથી વધુ નફો રળી આપનારી ફિલ્મ બની ગઈ છે.
આ દિવ્ય ફિલ્મનું દિગ્દર્શન ડૉ. વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. નવાઈની વાત એ છે કે દિગ્દર્શક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ હતી અને પોતાની પહેલી જ ફિલ્મથી તેમણે બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. ફિલ્મમાં નીમ કરોલી બાબાનું મુખ્ય અને અત્યંત પ્રભાવશાળી પાત્ર અભિનેતા શોભિનવ સત્યાએ ભજવ્યું છે. તેમના શાંત અને તેજસ્વી અભિનયના દર્શકોએ ભરપૂર વખાણ કર્યા છે.
ટૂંકમાં, જો તમે પરિવાર સાથે બેસીને કોઈ પ્રેરણાદાયી, આધ્યાત્મિક અને દિલને સ્પર્શી જાય તેવી ફિલ્મ જોવા માંગતા હોવ, તો 27 નવેમ્બરે SonyLIV પર અને 29 નવેમ્બરે Netflix પર ‘હનુમાન અંશ’ જોવાનું ચૂકશો નહીં
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
