News of Wednesday, 6th May 2026
ઝાલમુડી પછી મક્કે દી રોટી, સરસો દા સાગઃ બંગાળ બાદ ભાજપનું મિશન પંજાબ
બંગાળમાં જીત મેળવ્યા બાદ ભાજપે હવે ઉત્તર ભારત અને ખાસ કરીને પંજાબમાં સત્તા મેળવવાની રણનીતિ ઘડી છેઃ રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોના પક્ષપલટાએ પંજાબમાં આમ આદમી પાર્ટી માટે મોટો પડકાર ઉભો કર્યો છે : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ગઢને તોડ્યા બાદ હવે ભાજપે ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પર નજર માંડી છે. તેજિન્દર પાલ સિંહ બગ્ગા અને જયવીર શેરગિલ જેવા નેતાઓએ ‘ઝાલમુડી' બાદ ‘મક્કે દી રોટી'ના નારા સાથે પ્રચાર શરૂ કર્યો છે

નવી દિલ્હી,તા.૬: પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત અને વિપક્ષના સૌથી કદ્દાવર નેતા મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસી ને કારમી હાર મળી છે. તેની સાથે હવે ભાજપ ને રાજકીય દ્રષ્ટિકોણથી એ વિચારવાનો મોકો મળ્યો છે, જે ક્યારેક તેના વિચારથી દૂર રહ્યું છે.
૨૦૨૭માં ભાજપનો સૌથી મોટો પડકાર ઉત્તર પ્રદેશમાં સરકારની વાપસી છે. પરંતુ પાર્ટીના ઘણાં નેતાઓએ બંગાળના પરિણામો બાદ પંજાબ માં જીત મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે.
ભારતીય જનતા યુવા મોરચા ના રાષ્ટ્રીય સચિવ તેજિદર સિહ બગ્ગા એ બુધવારે એક્સ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે માત્ર બે પોસ્ટર શેયર કર્યા છે. એક પોસ્ટરમાં તેમણે જે તસ્વીર લગાવી છે, તેના પર લખ્યું છે- ૨૦૨૬ ઝાલમુડી અને બીજી તસ્વીરમાં ૨૦૨૭ મક્કે કી રોટી સરસોં કા સાગ
બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં એક સાધારણ દુકાન પર જઈને ઝાલમુડી ખરીદીને ખાધી હતી. આ બંગાળના લોકોના સ્નેક્સની આઈટમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારે સડક કિનારે ઝાલમુડી ખાધી, તે બંગાળની ચૂંટણીમાં મોટો મુદ્દો બન્યો. પરિણામ પણ એવું આવ્યું કે ઝાલમુડીને ભાજપે રાષ્ટ્રીય ઓળખ બનાવી દીધી.
જે પ્રકારે બંગાળમાં ઝાલમુડી જનતા સાથે જોડાયેલી છે. તેવી રીતે મક્કે દી રોટી, સરસોં દા સાગ -નું નામ લેતા જ દુનિયાભરમાં ક્યાંય પણ હો પંજાબની માટીની સુગંધ ફેલાવાનું શરૂ થઈ જાય છે. ૨૦૨૭માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી છે અને બગ્ગાએ તેના પર નજર માંડતા પોતાના તરફથી અત્યારથી જ એક ચૂંટણીનો માહોલ બનાવવાની કોશિશ શરૂ કરી છે.
જો કે આ મામલે તેજિન્દરસિંહ બગ્ગા એકલા નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે ૪ મેના રોજ બંગાળમાં મતગણતરીવાળા દિવસે જ પોતાની એક્સ પોસ્ટ દ્વારા પંજાબમાં માહોલ બનાવવાની કોશિશ શરુ કરી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ બાદ પંજાબનોવારો, તમારા બોરિયા-બિસ્તર બાંધી લો AAP!
પંજાબને લઈને ભાજપના નેતાઓમાં આશા ભરેલો ઉત્સાહ છે અને તેની પાછળનું કારણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાઘવ ચઢ્ઢા સહીતના સાત સાંસદો છે. આ સાતેય સાંસદોમાં સ્વાતિ માલીવાલ સિવાયના બાકીના ૬ સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ભાજપે આમ આદમી પાર્ટીમાં પંજાબ પ્રાંતમાં ગાબડું પાડયું છે, તેનાથી આખા ઈન્ડી ગઠબંધનમાં ખળભળાટ મચ્યો છે.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પરી કરી શક્યું નથી અને જેડીયૂ-ટીડીપી તેની રાજકીય મજબૂરી બનીને ઉભરી છે.
પરંતુ તેમ છતાં જે પ્રકારે ભાજપે એખ પછી એક વિધાનસભા ચૂંટણીઓમાં સારો દેખાવ કર્યો, ઈન્ડી ગઠબંધનના પોતાના સાંસદો-ધારાસભ્યોને પોતાના ખેમામાં રાખવા એક પડકાર બની ગયો છે.
વિધાનસભા ચૂંટણીઓમાં સતત જીતે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારને ઘણી વધારે સ્થિર બનાવી દીધી છે.
બિહારમાં નીતિશ કુમારના સ્થાને ભાજપે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યા છે. હકીકત એ છે કે મોદી સરકાર વિરુદ્ધ ટ્વિટર પર દરરોજ હુમલો કરનારા વિપક્ષી નેતાઓમાં હતાશા પણ વધી ગઈ છે અને તિરાડ પણ પહોળી બની રહી છે.
સૌથી તાજું ઉદાહરણ તમિલનાડુનું છે, જ્યાં પરિણામ બાદ કોંગ્રેસના વલણે ડીએમકેને ભડકાવી દીધી છે.
લાગે છે કે વિપક્ષની આ સ્થિતિ અને મમતા બેનર્જીને મળેલી કામી હારે ભાજપનો હોંસલો એટલો વધારી દીધો છે કે તેને હવે પંજાબની રાહ પણ આસાન લાગવા લાગી છે.ભાજપના એક પદાધિકારીને જ્યારે પંજાબમાં અકાલી દળની સાથે આવવાની સંભાવનાઓ બાબતે પુછવામાં આવ્યું,તો તેમણે માત્ર એટલું કહ્યું કે રાજનીતિ તો સંભાવનાઓનો જ ખેલ છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
