<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

કૃષિ કાયદા રદ થયા પરંતુ ખેડૂતોની 'કાનૂની લડાઈ' અવિરત: આંદોલનના સેંકડો કેસ વર્ષો પછી પણ વણઉકેલાયા!

દિલ્હી અને હરિયાણામાં નોંધાયેલી હજારો FIR પાછી ખેંચવાનું વચન લટકાયું: ગંભીર આરોપો અને કાનૂની પ્રક્રિયાના વિલંબથી હજુ પણ અદાલતોના ચક્કર કાપવા મજબૂર બન્યા ખેડૂતો

નવી દિલ્હી, તા.28: વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન દેશભરમાં ગાજેલા ઐતિહાસિક કૃષિ કાયદા વિરોધી આંદોલનને સમેટતી વખતે કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોએ ખેડૂતો સામેના તમામ પોલીસ કેસ પાછી ખેંચવાનું વચન આપ્યું હતું. જોકે, કૃષિ કાયદા રદ થયાના વર્ષો પછી પણ આંદોલનકારી ખેડૂતો માટે કાનૂની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી સેંકડો એફઆઈઆર (FIR) હજુ પણ વણઉકેલાયેલી પડી છે, જેના કારણે હજારો ખેડૂતોને કાનૂની સંઘર્ષ ચાલુ રાખવો પડી રહ્યો છે.

દિલ્હીમાં ગંભીર આરોપોના કેસો અટક્યા

દિલ્હીમાં આંદોલન દરમિયાન નોંધાયેલા કુલ ૫૪ કેસોમાંથી દિલ્હીના તત્કાલીન ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ફેબ્રુઆરી ૨૦૨૨ માં ૧૭ કેસ પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. પરંતુ બાકીના ૩૭ કેસોમાં ગંભીર આરોપો હોવાથી તેને કાનૂની તપાસ હેઠળ રોકી રાખવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, જે કેસો પાછા ખેંચાયા નથી તેમાં:

·         ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ (પ્રજાસત્તાક દિન) ના રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસા.

·         લાલ કિલ્લાના પરિસરમાં ઘૂસીને સરકારી મિલકતો (સ્કેનર્સ, મેટલ ડિટેક્ટર્સ) ને નુકસાન પહોંચાડવું.

·         આઈટીઓ (ITO) ચોકડી પર પોલીસ સાથે થયેલી હિંસક અથડામણો.

·         સરકારી કર્મચારીઓ પર હુમલો અને આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

હરિયાણા અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટનું વલણ:

·         હરિયાણામાં ૪૮,૦૦૦ થી વધુ ખેડૂતો નામજોગ/અજાણ્યા આરોપી: હરિયાણામાં ૨૭૮ થી વધુ એફઆઈઆર નોંધાઈ હતી. રાજ્ય સરકારે સામાન્ય ટ્રાફિક ભંગ, નાનો-મોટો ઉપદ્રવ કે કલમ ૧૪૪ ના ભંગ જેવા હળવા કેસો તબક્કાવાર રદ કર્યા છે. પરંતુ જે કેસોમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, તેમાં ખેડૂતોએ ઔપચારિક મુક્તિ મેળવવા માટે અદાલતોમાં હાજરી આપવી પડી રહી છે.

·         હાઈકોર્ટનો હસ્તક્ષેપ: કેન્દ્ર સરકારે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ રાજ્યોને કેસ પાછા ખેંચવા નિર્દેશ આપ્યો હોવા છતાં વિલંબ થતાં ખેડૂતોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ત્યારબાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કેન્દ્ર અને ચંદીગઢના ડીજીપીને આ અંગે જરૂરી અનાપત્તિ પ્રમાણપત્ર (NOC) ગૃહ મંત્રાલયને મોકલવા આદેશ આપ્યો છે.

(5:36 PM IST)