<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ટેક જગતમાં AI નો પ્રચંડ વિસ્ફોટ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માંગમાં 17 ગણો અધધ વધારો, નોન-ટેક જોબ્સમાં પણ AI કૌશલ્ય ધરાવતા લોકોને બમ્પર પગારની ઓફર!

વર્લ્ડ AI ડે રિપોર્ટ 2026 માં ચોંકાવનારો ખુલાસો; 15.4% આઇટી નોકરીઓમાં AI અનિવાર્ય બન્યું, 40 થી 50 લાખથી વધુના પેકેજ આપવા કંપનીઓ તૈયાર

નવી દિલ્હી, તા.૧૭: આજના ડિજિટલ યુગમાં જો તમે નોકરી બજારમાં ટકી રહેવા માંગતા હોવ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શીખવું હવે વૈકલ્પિક નથી પરંતુ અનિવાર્ય બની ગયું છે. દેશની અગ્રણી જોબ પોર્ટલ નૌકરી (Naukri.com) દ્વારા જાહેર કરાયેલા 'વર્લ્ડ AI ડે રિપોર્ટ ૨૦૨૬' ના અહેવાલમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, ટેકનોલોજી ક્ષેત્રની કુલ નોકરીઓમાંથી ૧૫.૪ ટકા નોકરીઓના ડિસ્ક્રિપ્શનમાં (કાર્ય વર્ણન) હવે AI કૌશલ્યની માંગ ફરજિયાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦ માં આ માંગ માત્ર ૦.૯ ટકા હતી, જે દર્શાવે છે કે છેલ્લા ૬ વર્ષમાં નોકરીદાતાઓ દ્વારા AI ની માંગમાં ૧૭ ગણો પ્રચંડ વધારો થયો છે.

આ વ્યાપક અહેવાલ તૈયાર કરવા માટે દેશના ૧૫ થી વધુ મુખ્ય શહેરોના ૮૦ થી વધુ ઉદ્યોગો સાથે સંકળાયેલા ૨૭,૦૦૦ થી વધુ વ્યાવસાયિકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને ૩ લાખથી વધુ નોકરીની પ્રોફાઇલ્સનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

માત્ર IT જ નહીં, નોન-ટેક ક્ષેત્રોમાં પણ AI નો દબદબો

સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે, AI નો પ્રભાવ હવે માત્ર સોફ્ટવેર એન્જિનિયરિંગ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ નોન-ટેકનોલોજી એટલે કે પરંપરાગત વ્યાપારી ભૂમિકાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. માર્કેટિંગ, સેલ્સ, એચઆર અને ઓપરેશન્સ જેવી નોન-ટેક નોકરીઓમાં AI કૌશલ્યનો ઉલ્લેખ વર્ષ ૨૦૨૦ ના ૦.૨૬ ટકાથી વધીને ૨૦૨૬ માં ૧.૫૯ ટકા પર પહોંચી ગયો છે, જે લગભગ છ ગણો વિકાસ દર્શાવે છે.

ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડના ગ્રુપ સીએમઓ સુમીત સિંહે આ અંગે જણાવ્યું હતું કે, "AI હવે કોઈ ભવિષ્યનો ટ્રેન્ડ નથી, પરંતુ તે ભારતમાં કામ કરવાની પદ્ધતિને વર્તમાનમાં જ સંપૂર્ણપણે બદલી ચૂક્યું છે. તે કંપનીઓની ભરતી પેટર્નથી લઈને કર્મચારીઓની કારકિર્દીના નિર્ણયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ નથી કે AI આવશે કે નહીં, પણ પ્રશ્ન એ છે કે તમે તેના માટે કેટલા તૈયાર છો."

અનુભવી પ્રોફેશનલ્સની ચાંદી, પગારના આંકડા આસમાને

અહેવાલમાં એક ખૂબ જ મહત્વની બાબત સામે આવી છે કે, જે વ્યાવસાયિકો પાસે AI નું કૌશલ્ય છે, તેઓ તેમના સાથીદારો (જેમને AI નથી આવડતું) કરતાં ઘણો વધારે સરેરાશ પગાર મેળવી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં AI સક્ષમ ભૂમિકાઓમાં પગાર વધારો (Appraisal) ખૂબ જ મજબૂત રહ્યો છે.

ખાસ કરીને ૧૩ થી ૧૬ વર્ષ અને તેનાથી વધુનો બહોળો અનુભવ ધરાવતા સીનિયર વ્યાવસાયિકોમાં AI બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની ભરતી સૌથી ઝડપી થઈ રહી છે. કંપનીઓ એન્ટરપ્રાઇઝ લેવલ પર AI પરિવર્તન લાવવા માટે સીનિયર લીડર્સને વાર્ષિક રૂ. ૪૦ થી ૪૯ લાખ અને રૂ. ૫૦ લાખ કે તેથી વધુના તગડા પગાર પેકેજ આપવા માટે ખુલ્લા હાથે રોકાણ કરી રહી છે. હાલમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડેટા સાયન્સ, બિઝનેસ એનાલિટિક્સ અને સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ (QA) જેવા ક્ષેત્રોમાં AI નો ઉપયોગ ટોચ પર છે, અને જે કર્મચારીઓ પોતાની જાતને અપગ્રેડ કરશે તેમનું ભવિષ્ય સુવર્ણ રહેશે.

 

(5:21 PM IST)