<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

AI હવે બન્યું SI: ટ્રમ્પના ‘સુપર ઇન્ટેલિજન્સ’ વાળા નિવેદને સડસડાટ વધારી દીધી સ્લોવેનિયાના .si ડોમેન્સની માંગ, રજિસ્ટ્રેશનમાં અણધારી તેજી!

ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે "સુપર ઇન્ટેલિજન્સ (SI)" શબ્દ વાપરવાની જાહેરાત કરતાં ઇન્ટરનેટ જગતમાં મોટો ઉછાળો; સ્લોવેનિયાના કન્ટ્રી ડોમેન .si માટે રોજ હજારો અરજીઓ

લ્યુબ્લિયાના, તા.૩૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને વૈશ્વિક ટેકનોલોજી અને ઇન્ટરનેટ ડોમેન માર્કેટમાં એક અણધારી તસવીર ઊભી કરી દીધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને બદલે "સુપર ઇન્ટેલિજન્સ" અથવા "SI" શબ્દનો ઉપયોગ કરવાના ટ્રમ્પના આગ્રહને કારણે યુરોપિયન દેશ સ્લોવેનિયાના કન્ટ્રી ડોમેન પ્રોફિક્સ કે સફિક્સ એવા ".si" પર સમાપ્ત થતા ઇન્ટરનેટ ડોમેન્સ ખરીદવા માટે વૈશ્વિક સ્તરે હોડ જામી છે.

 

"AI માં કૃત્રિમતા લાગે છે, SI વધુ શક્તિશાળી છે" - ટ્રમ્પનું નિવેદન

 

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UNGA) માં પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, "'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' શબ્દ સાંભળતાં જ તેમાં કંઈક બનાવટી કે નકલી હોવાનો અહેસાસ થાય છે." તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા હવેથી પોતાના તમામ સત્તાવાર દસ્તાવેજો અને નીતિઓમાં વધુ યોગ્ય અને શક્તિશાળી શબ્દ 'સુપર ઇન્ટેલિજન્સ (SI)' નો ઉપયોગ કરવાનું શરૂ કરશે. ટ્રમ્પની આ ઘોષણા બાદ વૈશ્વિક ટેક કંપનીઓ અને રોકાણકારોએ તાત્કાલિક "SI" બ્રાન્ડિંગ મેળવવા ડોમેન માર્કેટ તરફ દોટ મૂકી હતી.

 

સ્લોવેનિયાના રજિસ્ટ્રેશનમાં ભયાનક ઉછાળો: દર મહિને થતા રજિસ્ટ્રેશન હવે રોજના ધોરણે!

 

ટ્રમ્પના આ ભાષણથી અણધારી રીતે ૨૧ લાખની વસ્તી ધરાવતા આલ્પાઇન દેશ સ્લોવેનિયાનું નસીબ ખોલી ગયું છે, કારણ કે ઇન્ટરનેટની દુનિયામાં કેવળ સ્લોવેનિયા પાસે જ રાષ્ટ્રીય ડોમેન સફિક્સ તરીકે ".si" ની માલિકી છે. સ્લોવેનિયાના ડોમેન્સનું સંચાલન કરતી એજન્સી 'Register.si' ના જણાવ્યા મુજબ, અગાઉ સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન માંડ ૩,૫૦૦ ડોમેન રજિસ્ટર થતાં હતાં, જ્યારે ટ્રમ્પના નિવેદન બાદ હવે દરરોજ સરેરાશ ૩,૭૦૦ નવા .si ડોમેન્સ નોંધાઈ રહ્યા છે! જેને લીધે દેશમાં કુલ .si ડોમેન્સનો આંકડો ૨,૨૦,૦૦૦ ને વટાવી ગયો છે.

 

કંપનીઓને તાત્કાલિક પોતાનું ડોમેન સુરક્ષિત કરવા એડવાઇઝરી જારી

 

ડોમેન્સની માંગમાં અચાનક આવેલા આ પ્રચંડ ઉછાળાને પગલે સ્લોવેનિયાની ડોમેન રજિસ્ટ્રી એજન્સીએ ટ્રેડમાર્ક ધારકો અને કંપનીઓ માટે વિશેષ સલાહકારી સૂચના (એડવાઇઝરી) જાહેર કરી છે. તેમણે તમામ વ્યવસાયોને ભલામણ કરી છે કે પોતાના ટ્રેડમાર્ક અને બ્રાન્ડ નેમ સાયબર-સ્કવોટિંગથી બચાવવા માટે શક્ય તેટલી વહેલી તકે પોતાના .si ડોમેન્સ રજિસ્ટર કરાવી લે.

 

ઉલ્લેખનીય છે કે, બાલ્કન ક્ષેત્રના કોઈ દેશનું ડોમેન ગ્લોબલ ટ્રેન્ડ બન્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલાં મોન્ટેનેગ્રોના ".me" ડોમેનનો ઉપયોગ લોકો વ્યક્તિગત પોર્ટફોલિયો માટે કરતા આવ્યા છે, જેનું જાણીતું ઉદાહરણ મેસેજિંગ એપ 'ટેલિગ્રામ' નું શોર્ટ લિંક ડોમેન "t.me" છે.

(5:10 PM IST)