<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

AI મોડેલ્સ પણ દમનકારી સરકારો સામે ઝૂક્યા: મેટા ઓવરસાઇટ બોર્ડના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, સરમુખત્યારશાહી દેશોની ટીકા કરવામાં ટેક કંપનીઓના ચેટબોટ્સ પાછળ હટ્યા

ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશોની રાજકીય ટીકા સંબંધિત ૩૪% વિનંતીઓ AIએ ફગાવી; તાલીમ ડેટામાં છુપાયેલા પૂર્વગ્રહો અને સેન્સરશીપના કાયદાઓ જવાબદાર હોવાની આશંકા

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાંથી એક અત્યન્ટ ચોંકાવનારો અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા (Meta) ના ઓવરસાઇટ બોર્ડના એક તાજેતરના અભ્યાસમાં ખુલાસો થયો છે કે, વિશ્વના અગ્રણી AI મોડેલ્સ વાણી સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકનારી અને દમનકારી વલણ ધરાવતી સરકારોની રાજકીય ટીકા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) જેવી દિગ્ગજ લેબોરેટરીઝના ચેટબોટ્સ પર કડક સેન્સરશીપ કાયદા ધરાવતા દેશોનો પૂર્વગ્રહ હાવી થઈ રહ્યો હોવાની આશંકાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.

ચીન-સાઉદી અરેબિયા સામે સેન્સરશીપ પૂર્વગ્રહ

અભ્યાસના અહેવાલ મુજબ, જ્યારે AI મોડેલ્સને ચીન અને સાઉદી અરેબિયા જેવા સક્રિય સરમુખત્યારશાહી કાયદાઓ ધરાવતા અધિકારક્ષેત્રો વિશે રાજકીય રીતે ટીકાત્મક સામગ્રી તૈયાર કરવા પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આવી ૩૪% વિનંતીઓ (પ્રોમ્પ્ટ્સ) નો ઇનકાર કરી દીધો હતો. તેની સરખામણીમાં, જ્યાં આવા કડક કાયદા નથી અથવા વાણી સ્વતંત્રતા છે, તેવા દેશો સામેની સમાન વિનંતીઓમાંથી માત્ર ૧૪% જ નકારવામાં આવી હતી.

ઓવરસાઇટ બોર્ડે મેટા, ઓપનએઆઈ અને એન્થ્રોપિક સહિતની કંપનીઓના ૧૦ વ્યાપારી મોટા ભાષા મોડેલો (LLMs) નું મૂલ્યાંકન કરવા માટે ૭ ખાસ પ્રોમ્પ્ટ્સ તૈયાર કર્યા હતા. જેમાં મોડેલ્સને રાજકીય રીતે જટિલ પત્રિકાઓ, કવિતાઓ (લાઇમરિક્સ) બનાવવા અને કોઈએ રાજકીય વિરોધ પ્રદર્શનમાં જોડાડવું જોઈએ કે નહીં તે સમજાવવા કહેવામાં આવ્યું હતું.

તાલીમ ડેટામાંથી વારસામાં મળ્યો પૂર્વગ્રહ

સંશોધકોના મતે, આ AI મોડેલ્સ જે દેશોમાં સેન્સરશીપ લાગુ છે તેની સરહદોની બહાર પણ તે જ પ્રકારના પ્રતિબંધોને પ્રતિબિંબિત કરી રહ્યા છે. બોર્ડનું માનવું છે કે આનું કોઈ એક ચોક્કસ કારણ નથી, પરંતુ આ મોડેલ્સને પ્રશિક્ષિત કરવા માટે જે ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાંથી તેમણે આ ગુપ્ત પૂર્વગ્રહો શોષી લીધા હોઈ શકે છે.

સંશોધક કેરાસ્કો ફેરીએ જણાવ્યું હતું કે, આનો કોઈ સરળ ઉકેલ નથી. પરંતુ ડેવલપર્સે તાલીમ ડેટાસેટ્સ સુધારવા પડશે, જેથી કોઈ સરકારી પ્રચાર કે પ્રોપેગેન્ડાની હજારો નકલોને સિસ્ટમ 'સ્વતંત્ર અવાજ' ન માની લે. આ માટે બહુભાષી ઓડિટ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

(6:50 PM IST)