News of Saturday, 21st November 2026
આગામી દાયકામાં AI આર્થિક રીતે ઉપયોગી દરેક ક્ષેત્રમાં માનવને પાછળ છોડી દેશે: ડેનિયલ સસકિન્ડની ચેતવણી
નવા પુસ્તક ‘વોટ શુડ માય ચિલ્ડ્રન ડુ? એ હ્યુમન્સ ગાઈડ ટુ ધ એજ ઓફ AI’ દ્વારા ભવિષ્યની કામગીરી અને કારકિર્દી પર નવેસરથી વિચાર કરવાનો અનુરોધ

નવી દિલ્હી : ટેકનોલોજી ક્ષેત્રના અનેક અગ્રણી નિષ્ણાતો અને આગેવાનો એવો મત ધરાવે છે કે આવનારા દસ વર્ષમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આર્થિક દૃષ્ટિએ ઉપયોગી એવી દરેક બાબતમાં માનવશક્તિ કરતાં ચડિયાતી સાબિત થશે. જાણીતા અર્થશાસ્ત્રી અને લેખક ડેનિયલ સસકિન્ડે તેમના તાજેતરના પુસ્તક ‘વોટ શુડ માય ચિલ્ડ્રન ડુ? એ હ્યુમન્સ ગાઈડ ટુ ધ એજ ઓફ AI’ માં આ ગંભીર સ્થિતિ અંગે ચેતવણી ઉચ્ચારી છે.
સસકિન્ડના મતે, AI ની વધતી જતી ક્ષમતાઓ માત્ર પરંપરાગત નોકરીઓ પૂરતી સીમિત રહેશે નહીં, પરંતુ આવનારા સમયમાં કામકાજની દુનિયા અને આર્થિક મૂલ્યની સમગ્ર વ્યાખ્યા બદલાઈ શકે છે. જ્યારે મશીનો આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ ગણાતી મોટાભાગની કામગીરીમાં માણસો કરતાં વધુ સક્ષમ બનશે, ત્યારે આગામી પેઢી માટે શિક્ષણ, કૌશલ્ય અને કારકિર્દીની દિશા નક્કી કરવી એ સૌથી મોટો પડકાર બની રહેશે.
તેમના આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ વાલીઓ, યુવાનો અને સમાજને બદલાતા ટેકનોલોજીકલ યુગ માટે તૈયાર કરવાનો છે. AI ના ઝડપી વિસ્તાર વચ્ચે માનવ કૌશલ્યનું મહત્ત્વ કેવી રીતે બદલાશે અને ભવિષ્યની પેઢીએ કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તે અંગે આ પુસ્તકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
ટેક જગતમાં AI ના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ડેનિયલ સસકિન્ડની આ ચેતવણીએ નીતિઘડવૈયાઓ, શિક્ષણવિદો અને વાલીઓનું ધ્યાન ખેંચ્યું છે. આગામી દાયકામાં ટેકનોલોજી અને માનવશ્રમ વચ્ચેના સંતુલનને લઈને વૈશ્વિક સ્તરે નવેસરથી વિચારણા શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
