<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

એર ઈન્ડિયાએ નૈતિક ઉલ્લંઘન બદલ છેલ્લા ૩ વર્ષમાં ૧૦૦૦ થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા - સીઈઓ કેમ્પબેલ વિલ્સન

કર્મચારીઓ દ્વારા મુસાફરી સુવિધાઓનો દુરુપયોગ અને માલસામાનની હેરાફેરી જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી : કંપનીમાં કાર્ય સંસ્કૃતિ સુધારવા અને શિસ્ત જાળવવા પર ભાર

મુંબઈ:ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એર ઈન્ડિયાએ તેની કાર્ય પ્રણાલીમાં પારદર્શિતા અને નૈતિકતા લાવવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે. એરલાઇનના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને ખુલાસો કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નૈતિક ઉલ્લંઘન (Ethical Breaches) ના અલગ-અલગ કિસ્સાઓમાં ૧૦૦૦ થી વધુ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. કંપનીની શિસ્તભંગની આ કાર્યવાહીથી એરલાઇન ક્ષેત્રે ફફડાટ વ્યાપી ગયો છે.

સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, કર્મચારીઓ દ્વારા કંપનીની 'લીઝર ટ્રાવેલ સિસ્ટમ' (કર્મચારીઓ માટેની મુસાફરી સુવિધા) નો મોટાપાયે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય વિમાનમાંથી વસ્તુઓની હેરાફેરી કરવી અથવા ચાર્જ વસૂલ્યા વિના વધારાનો સામાન લઈ જવા જેવી ગંભીર ગેરરીતિઓ પણ સામે આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ કર્મચારીઓ યોગ્ય રીતે વર્તે અને કંપનીના નિયમોનું પાલન કરે તે અનિવાર્ય છે.

માર્ચ મહિનામાં થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આશરે ૪૦૦૦ થી વધુ કર્મચારીઓ મુસાફરી નીતિના ઉલ્લંઘનમાં સંડોવાયેલા હતા, જેમાંથી ગંભીર બેદરકારી દાખવનાર સામે બરતરફીના પગલાં લેવાયા છે. એર ઈન્ડિયા હવે ટેકનોલોજી અને આધુનિક દેખરેખ પ્રણાલી દ્વારા આવી ગેરરીતિઓ રોકવા માટે સજ્જ થઈ રહી છે. કેમ્પબેલ વિલ્સને ભારપૂર્વક કહ્યું કે એરલાઇનની પ્રતિષ્ઠા જાળવવા અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની નીતિ અપનાવવામાં આવી છે.

(7:40 PM IST)