<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

દિલ્હીમાં ફરી હવા પ્રદુષિત : AQI 261 સાથે 'ગંભીર' શ્રેણીમાં :નાગરિકો માટે ખાસ એડવાઈઝરી જાહેર

વહીવટીતંત્રે આ તમામ સંવેદનશીલ લોકોને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી:જો ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય, તો માસ્ક પહેરવું અને લાંબા સમય સુધી પ્રદૂષિત વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાની સૂચના

નવી દિલ્હી :રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તામાં ફરી એકવાર ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. તાજેતરના રિપોર્ટ મુજબ, દિલ્હીનો સરેરાશ AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 261 નોંધાયો છે, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે જોવા મળ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પ્રદૂષણના વધતા આંકડાઓએ ફરી એકવાર પર્યાવરણ પ્રેમીઓ અને સત્તાવાળાઓની ચિંતા વધારી દીધી છે.

 

પ્રદૂષણની આ ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રની બીમારી ધરાવતા લોકો માટે ચેતવણી જાહેર કરી છે. વહીવટીતંત્રે આ તમામ સંવેદનશીલ લોકોને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે. જો ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય, તો માસ્ક પહેરવું અને લાંબા સમય સુધી પ્રદૂષિત વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાની સૂચના આપવામાં આવી છે. હવાની ગુણવત્તા સુધરે ત્યાં સુધી લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

 

દિલ્હીમાં પ્રદૂષણ વધવા પાછળ સ્થાનિક સ્તરે થતું ઉત્સર્જન અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ મુખ્ય જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં પવનની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણના કણો હવામાં જ સ્થિર થઈ રહ્યા છે, જેના કારણે AQI માં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રદૂષણના આ સ્તરને નિયંત્રિત કરવા માટે સંબંધિત વિભાગો સતત નજર રાખી રહ્યા છે. જો આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર નહીં થાય, તો પ્રદૂષણનું આ સ્તર વધુ ભયજનક બની શકે છે. નાગરિકોને પણ વાહનવ્યવહારનો જરૂર પૂરતો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

 

(1:21 PM IST)