News of Saturday, 24th October 2026
તમિલનાડુમાં વિમાન મુસાફરી થશે સસ્તી: સીએમ વિજય સરકારે જેટ ફ્યુઅલ પર VAT ઘટાડ્યો : કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ કર્યા મુક્તકંઠે વખાણ!
ચેન્નાઈ એરપોર્ટ પર ATF વેટ ૨૯% થી ઘટાડીને ૧૬% અને અન્ય વિમાનમથકો પર ૧% કરાયો : એરલાઈન્સના ઈંધણ ખર્ચમાં મોટી રાહત મળવાથી તહેવારોની મોસમમાં હવાઈ ભાડાં ઘટે તેવી શક્યતા

ચેન્નાઈ : દક્ષિણ ભારતના રાજકારણ અને વિમાની મુસાફરી ક્ષેત્રે એક અત્યંત રાહતજનક અને પ્રશંસનીય સમાચાર સામે આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયની સરકારે રાજ્યમાં એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF) પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં ખૂબ જ મોટો અને ઐતિહાસિક ઘટાડો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિમાની ઇંધણ પરના કરરમાં કરાયેલા આ નોંધપાત્ર કાપને કારણે રાજ્યમાંથી ઉડાન ભરતી તમામ એરલાઇન્સના સંચાલન ખર્ચમાં મોટો ઘટાડો થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીએમ વિજયના આ નિર્ણાયક પગલાના મુક્તકંઠે વખાણ કર્યા છે અને સામાન્ય નાગરિકો માટે હવાઈ સફર સસ્તી બનાવવા માટે કેન્દ્ર-રાજ્યના આવા સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, ચેન્નાઈ એરપોર્ટ પર ATF પરનો વેટ ૨૯% થી ઘટાડીને ૧૬% કરી દેવામાં આવ્યો છે, જ્યારે રાજ્યના અન્ય તમામ નાના-મોટા એરપોર્ટ્સ પર ટેક્સ દર ૨૯% થી સીધો ઘટાડીને માત્ર ૧% કરી દેવાયો છે. આ ઉપરાંત, ૪૦,૦૦૦ કિલોગ્રામથી ઓછું ટેક-ઓફ વજન ધરાવતા નાના વિમાનો માટે પણ વેટ ૫% થી ઘટાડીને ૧% કરવામાં આવ્યો છે, જે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, ડોલર સામે રૂપિયાનું ધોવાણ અને પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ થવા જેવા વૈશ્વિક પડકારો વચ્ચે આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન્સ કંપનીઓ માટે તમિલનાડુ સરકારનો આ નિર્ણય એક 'સંજીવની' સમાન સાબિત થશે.
તમિલનાડુના ઉદ્યોગ મંત્રી વિરુધાઈ મગલ કીર્થને જણાવ્યું હતું કે આ ક્રાંતિકારી નિર્ણયથી ચેન્નાઈ સિવાયના અન્ય નાના શહેરો વચ્ચેની પ્રાદેશિક કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. એરલાઇન્સ કંપનીઓ હવે નવા રૂટ્સ શરૂ કરવા અને ફ્લાઇટ્સની ફ્રિકવન્સી વધારવા માટે પ્રોત્સાહિત થશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા ઇંધણના ભાવવધારા અંગે ચિંતા વ્યક્ત કરાયા બાદ અને તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ લેવાયેલા આ નિર્ણયથી એર ટિકિટના ભાવ સ્થિર રાખવામાં કે ઘટાડવામાં મદદ મળશે, જોકે આ બચતનો સીધો લાભ એરલાઇન્સ કંપનીઓ મુસાફરો સુધી કેટલો પહોંચાડે છે તેના પર સૌની નજર રહેશે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
