તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 23rd August 2026
દેશભરમાં બેંક સેવાઓ ઠપ્પ થવાના એંધાણ : સંયુક્ત મોરચા દ્વારા સપ્ટેમ્બર ૧૧ અને ૨૮થી ૩૦ હડતાળનું એલાન : ૨૬ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની લડત - ન્યૂઝફર્સ્ટ
અઠવાડિયામાં ૫ દિવસનું કામકાજ અને પીએલઆઈ સ્કીમ રદ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનો વિરોધ : સપ્ટેમ્બરમાં ૩ અને ૫ દિવસ સુધી બેંકો સતત બંધ રહેશે

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ): દેશભરના ગ્રાહકો માટે આગામી દિવસોમાં બેંકિંગ કામકાજ અટવાઈ જવાના મોટા સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળનું વિધિવત એલાન કરવામાં આવ્યું છે. બેંક સંગઠનો દ્વારા સપ્ટેમ્બર ૧૧ તથા સપ્ટેમ્બર ૨૮ થી ૩૦ સુધી દેશવ્યાપી હડતાળ પાડવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન બાદ પણ ઉકેલ નહીં આવે તો ૨૬ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની પણ ચીમકી આપવામાં આવી છે.
બેંક કર્મચારી યુનિયનો દ્વારા મુખ્યત્વે અઠવાડિયામાં ૫ દિવસનું બેંકિંગ કામકાજ અમલી બનાવવાની અને પીએલઆઈ (પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમ પાછી ખેંચવા સહિતની અન્ય વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ માંગણીઓ અંગે લાંબા સમયથી ઉકેલ ન આવતા આખરે બેંક સંગઠનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
હડતાળના આ એલાનને કારણે સપ્ટેમ્બર મહિનામાં બેંકિંગ સેવાઓ પર ભારે અસર પડશે અને લાંબી રજાઓનું ચિત્ર ઊભું થશે:
સપ્ટેમ્બરમાં ૩ દિવસ બેંકો બંધ રહેશે:
૧૧ સપ્ટેમ્બર: બેંક હડતાળ (પ્રથમ દિવસ)
૧૨ સપ્ટેમ્બર: બીજો શનિવાર (નિયમિત રજા)
૧૩ સપ્ટેમ્બર: રવિવાર (જાહેર રજા)
સપ્ટેમ્બરમાં સતત ૫ દિવસ બેંકો બંધ રહેશે:
૨૬ સપ્ટેમ્બર: ચોથો શનિવાર (નિયમિત રજા)
૨૭ સપ્ટેમ્બર: રવિવાર (જાહેર રજા)
૨૮ સપ્ટેમ્બર: બેંક હડતાળ (પ્રથમ દિવસ)
૨૯ સપ્ટેમ્બર: બેંક હડતાળ (બીજો દિવસ)
૩૦ સપ્ટેમ્બર: બેંક હડતાળ (ત્રીજો દિવસ)
આ ઉપરાંત ૨૬ ઓક્ટોબરથી દેશભરમાં બેંકોની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ થનાર હોવાથી નાણાકીય વ્યવહારો, ચેક ક્લિયરન્સ અને અન્ય મહત્વપૂર્ણ બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
