<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

કાશ્મીરમાં હજારો ઘોડાવાળાઓ માટે અમરનાથ યાત્રા રોજીરોટીનું મુખ્ય સાધન બની

સારા રસ્તાઓ અને સુવિધાઓ વધવાથી યાત્રિકો અને સેવા આપનારાઓ બંનેને મોટી રાહત મળી

શ્રીનગર: દર વર્ષે યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા કાશ્મીરમાં હજારો ટટ્ટુવાળાઓ એટલે કે ઘોડાવાળાઓ માટે રોજીરોટીનું એક અતિ મહત્વનું સાધન બની રહી છે. આમાંના ઘણા લોકો વર્ષના બાકીના સમયમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માત્ર આ યાત્રાની સિઝન પર જ નિર્ભર રહેતા હોય છે.
હવે યાત્રાના રસ્તાઓ પર પહેલા કરતા ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી તીર્થયાત્રીઓનું આવવા જવાનું વધુ સરળ બની ગયું છે. 
સીમા સડક સંગઠનની ૧૨૨ આરસીસી યુનિટના લોકો અને મશીનોએ બાલતાલ બેઝ કેમ્પથી પવિત્ર ગુફા સુધીનો રસ્તો બનાવ્યો છે અને તેની સારી રીતે દેખરેખ પણ રાખી છે. આનાથી શ્રદ્ધાળુઓ માટે આવનજાવન સરળ બની છે અને યાત્રા સાથે જોડાયેલી સેવાઓમાં લાગેલા લોકોને પણ મોટી મદદ મળી છે. આમ છતાં ઘોડાવાળાઓની ભૂમિકામાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી.
એક ઘોડાવાળા ગુલામ અહેમદના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તાઓ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં ઘણો સુધારો થયો છે. પહેલા રસ્તાઓ ખૂબ ખરાબ હાલતમાં હતા પરંતુ હવે પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 
વર્ષ ૨૦૧૦ થી આ યાત્રા સાથે જોડાયેલા અન્ય એક ઘોડાવાળા ફયાઝ કસાનાએ કહ્યું કે આ યાત્રા તેમના પરિવારની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. યાત્રા દરમિયાન એક કે બે મહિના માટે થતી કમાણીથી વર્ષના બાકીના સમયમાં ગુજરાન ચલાવવામાં તેમને મદદ મળે છે.
અન્ય એક ઘોડાવાળા અબ્દુલ રશીદે પણ આ સુવિધાઓને આવકારી છે પરંતુ વધતા ટ્રાફિક જામ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ૨૦ વર્ષથી તેઓ આ કામ કરે છે અને પારકા ઘોડા પર કામ કરે છે. ટ્રાફિકના કારણે ઓછી કમાણી થાય તો ઘોડાનો માલિક સવાલ કરે છે. ગરીબ પરિવારો માટે અને બાળકોના પાલનપોષણ માટે આ એકમાત્ર કમાણીનો રસ્તો છે.

(8:15 PM IST)