આકાશમાં અદભુત અવકાશી આતશબાજી: ઓરિઓનિડ્સ ઉલ્કાવર્ષા આજે રાત્રે પૃથ્વીવાસીઓને કરશે રોમાંચિત, હેલીના ધૂમકેતુના કાટમાળથી ચમકશે રાત્રિનું આકાશ
પ્રસિદ્ધ હેલીના ધૂમકેતુ દ્વારા પાછળ છોડાયેલા કણોથી સર્જાતી આર્ષ વર્ષા આજે રાત્રે ૧૧:૩૦ વાગ્યે ટોચ પર પહોંચશે, કોઈ પણ વિશિષ્ટ સાધન વગર ખુલ્લી આંખે જોઈ શકાશે આ અદભુત નજારો.

નવી દિલ્હી, તા.21: આકાશ પ્રેમીઓ અને અવસકાશ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત્રિ અત્યંત રોમાંચક સાબિત થવાની છે, કારણ કે વર્ષની સૌથી આકર્ષક એવી 'ઓરિઓનિડ્સ ઉલ્કાવર્ષા' (Orionids Meteor Shower) આજે ૨૧ ઓક્ટોબરની રાત્રે તેની ચરમસીમા પર પહોંચવા જઈ રહી છે. દર વર્ષે શિયાળાના આગમન પહેલાં આકાશમાં સર્જાતી આ અવકાશી આતશબાજીને નિહાળવા માટે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમેરિકન ઉલ્કાવર્ષા સોસાયટીના જણાવ્યા અનુસાર, આ ઉલ્કાવર્ષા ગત ૨ ઓક્ટોબરથી સક્રિય થઈ ચૂકી છે અને ૭ નવેમ્બર સુધી ચાલુ રહેશે, પરંતુ ૨૧ થી ૨૨ ઓક્ટોબરની વચ્ચેનો સમય તેની સક્રિયતા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આજના દિવસે આકાશી પરિસ્થિતિ મુજબ પ્રતિ કલાક આશરે ૨૦ જેટલી ઉલ્કાવર્ષા (શૂટિંગ સ્ટાર્સ) ની રેખાઓ આકાશમાં દોડતી જોઈ શકાશે, જો કે તેજસ્વી ચંદ્રની ઉપસ્થિતિ થોડી અસરો સર્જી શકે છે.
ભારતીય સમય અનુસાર, આજરોજ રાત્રે આ ઉલ્કાવર્ષા તેની પરાકાષ્ઠાએ પહોંચશે. અર્થસ્કાયના અહેવાલ મુજબ, ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ આ પ્રક્રિયા ટોચ પર હશે. ખગોળશાસ્ત્રીઓના મતે ભારતમાં આ અદ્ભુત નજારો માણવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાના કલાકોનો રહેશે, કારણ કે તે સમયે ચંદ્ર આથમી ગયો હોય છે અને આકાશ પૂરતું ઘાટું તથા સ્વચ્છ બની જાય છે.
આ અનોખી અવકાશી ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રસિદ્ધ હેલીનો ધૂમકેતુ (Haley's Comet) છે, જે દર ૭૬ વર્ષે આંતરિક સૌરમંડળમાંથી પસાર થાય છે અને પોતાની પાછળ ધૂળ તથા કાટમાળનો પ્રવાહ છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ફરતી વખતે આ કાટમાળના પટમાંથી પસાર થાય છે, ત્યારે આ નાના કણો અત્યંત ઉચ્ચ ગતિએ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને ઘર્ષણને કારણે ગરમ થાય છે અને આકાશમાં તેજસ્વી લીટીઓ રચાય છે.
આ ઉલ્કાવર્ષા 'ઓરિઅન' (Orion) નક્ષત્રમાંથી બહાર નીકળતી દેખાતી હોવાથી તેને ઓરિઓનિડ્સ નામ આપવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે તે અત્યંત ઝડપી ગતિ અને ક્યારેક ચમકતા અગનગોળા તરીકે દેખાય છે, જે ઘણી સેકન્ડો સુધી આકાશમાં પોતાની અમીટ છાપ છોડી જાય છે.
આ અદ્ભુત નજારો જોવા માટે કોઈપણ પ્રકારના ખર્ચાળ કે વિશેષ ટેલિસ્કોપ કે બાયનોક્યુલર્સની કોઈ જરૂર નથી. શહેરની કૃત્રિમ રોશની અને પ્રદૂષણથી દૂર કોઈ અંધારી કે ખુલ્લી જગ્યાએ બેસીને, આંખોને અંધકાર સાથે ટેવાવા માટે થોડો સમય આપીને સૂર્યોદય પહેલાં આકાશ ભણી નજર રાખવાથી આ ઉલ્કાવર્ષાનો મહત્તમ આનંદ માણી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
