News of Sunday, 10th May 2026
બંગાળના રાજકારણમાં 'ગાયત્રી' યોગનો અદભૂત સંયોગ: મમતા બેનર્જી બાદ હવે સુવેન્દુ અધિકારીએ સંભાળી રાજ્યની કમાન, પશ્ચિમ બંગાળમાં ભાજપના ભગવા શાસનનો સૂર્યોદય
રવિન્દ્ર જયંતિના પવિત્ર અવસરે 'જાયન્ટ કિલર' સુવેન્દુએ મુખ્યમંત્રી પદના શપથ લઈ રચ્યો ઇતિહાસ, પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સત્તાધીશની માતાઓના નામે જગાવી રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની સાથે જ એક અદભૂત સંયોગે સૌનું ધ્યાન ખેંચ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની માતાનું નામ ગાયત્રી દેવી હતું, અને હવે રાજ્યના ૯મા મુખ્યમંત્રી બનેલા સુવેન્દુ અધિકારીની માતાનું નામ પણ ગાયત્રી દેવી જ છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને "ગાયત્રીની પુત્રી પછી હવે ગાયત્રીનો પુત્ર સત્તા પર" કહીને બિરદાવી રહ્યા છે. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં સુવેન્દુ અધિકારીની માતા ગાયત્રી અધિકારીએ પોતાના પુત્રના સંઘર્ષને યાદ કરી ભાવુક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે બાળપણથી જ શુભેન્દુએ અનેક આક્રમણ અને વિરોધનો સામનો કરીને જનતાની સેવા કરવાની જે દૃઢતા બતાવી છે, તેનું જ આ પરિણામ છે.
૧૯૭૦માં જન્મેલા અને રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનાર સુવેન્દુ અધિકારીની રાજકીય સફર અત્યંત રોમાંચક રહી છે. ૧૯૯૫માં વિદ્યાર્થી નેતા તરીકે કારકિર્દી શરૂ કરનાર અધિકારીએ ૨૦૦૭ના નંદીગ્રામ આંદોલન દ્વારા રાજ્યના રાજકારણમાં મોટું કદ મેળવ્યું હતું. અગાઉ તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જીના વિશ્વાસુ અને મહત્વના વિભાગોના મંત્રી રહેલા સુવેન્દુએ ૨૦૨૦માં ભાજપનો સાથ પકડ્યો હતો. તેમણે ૨૦૨૧માં નંદીગ્રામ અને ૨૦૨૬માં ભવાનીપુર જેવી હાઈપ્રોફાઈલ બેઠકો પર મમતા બેનર્જીને હરાવીને 'જાયન્ટ કિલર'નું બિરુદ સાર્થક કર્યું છે, જેના કારણે ભાજપે પ્રથમવાર બંગાળમાં પોતાના દમ પર ઐતિહાસિક બહુમતી સાથે સરકાર બનાવી છે.
સુવેન્દુ અધિકારીનો પરિવાર આઝાદીની લડત સાથે જોડાયેલો છે, જેની અસર તેમની કાર્યશૈલીમાં પણ જોવા મળે છે. બે વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુવેન્દુ પાસે વહીવટી તંત્રનો વિશાળ અનુભવ છે, જે હવે બંગાળના વિકાસમાં નિર્ણાયક સાબિત થશે. ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ, તેમણે રાજ્યમાં નવી રાજકીય ગતિશીલતા અને સુશાસન લાવવાની ખાતરી આપી છે. બંગાળની જનતા હવે આ ઐતિહાસિક નેતૃત્વ પરિવર્તન પછી રાજ્યના સર્વાંગી વિકાસ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં મોટા બદલાવની આશા રાખી રહી છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
