News of Thursday, 30th July 2026
ઓસ્ટ્રેલિયાના દરિયાઈ ઈતિહાસની અદભુત શોધ: ૧૦ કરોડ વર્ષ જૂના અશ્મિભૂતમાં ઉડતા ડાયનાસોર અને ૨૩ ફૂટના સરિસૃપને શિકાર બનાવનાર ૪૦ ફૂટના વિશાળકાય રાક્ષસનો પર્દાફાશ
ક્રેટેસિયસ યુગના એરોમાંગા સમુદ્રમાં બનેલી અત્યંત દુર્લભ ત્રણ-સ્તરીય શિકાર શૃંખલાના પુરાવાઓ વૈજ્ઞાનિકો દ્વારા શોધી કાઢવામાં આવ્યા

સિડની : ઓસ્ટ્રેલિયાના આઉટબેક વિસ્તારમાં આવેલા રિચમંડ નજીકથી મળી આવેલા ૧૦ કરોડ વર્ષ જૂના અશ્મિભૂતોના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ ક્રેટેસિયસ યુગના સમયના એક અત્યંત રોમાંચક અને અનોખા આંતરજાતીય શિકાર નાટકનો ઘટસ્ફોટ કર્યો છે. આજથી એક કરોડ વર્ષ પહેલાં જ્યાં વિશાળ અંતર્દેશીય 'એરોમાંગા સમુદ્ર' આવેલો હતો ત્યાં એક અદભુત ખાદ્ય શૃંખલા જોવા મળી હતી, જેમાં ૨૩ ફૂટ લાંબા ઇચથિઓસોર નામના દરિયાઈ સરિસૃપ દ્વારા ઉડતા ડાયનાસોર (ટેરોસોર) ને શિકાર બનાવવામાં આવ્યો હતો, અને તે જ ઇચથિઓસોર ખુદ ૪૦ ફૂટથી વધુ લાંબા અને ૧૩ ટન વજન ધરાવતા વિશાળકાય પ્લિઓસોર એટલે કે ક્રોનોસોરસનો ભોગ બન્યો હતો.
આ અદ્ભુત પુરાવાની શોધની શરૂઆત ૨૦૧૯ માં થઈ હતી જ્યારે ચાર અશ્મિભૂત શિકારીઓએ રિચમંડ નજીકથી જમીનમાંથી હાડકાં શોધી કાઢ્યા હતા જેને 'બોન્સ બેગ' નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 'ક્રોનોસોરસ કોર્નર' ફોસિલ મ્યુઝિયમના ક્યુરેટર કેવિન પીટરસન અને તેમની વિશેષજ્ઞ ટીમે આ અર્ધ-સંપૂર્ણ ૨૩ ફૂટના ઇચથિઓસોરના હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે આશરે ૬૦૦ કલાક જેટલો લાંબો સમય ફાળવ્યો હતો. આ શોધને વૈજ્ઞાનિક જગતના પ્રખ્યાત 'ગોંડવાના રિસર્ચ' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેને પેલિયોન્ટોલોજિસ્ટ્સ દ્વારા ઇતિહાસની સૌથી સ્પષ્ટ ત્રિ-સ્તરીય શિકારી ક્રિયાપ્રતિક્રિયા તરીકે નવાજવામાં આવી છે.
આ નમૂનાઓના આધુનિક સીટી સ્કેન અને વિગતવાર વૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા એ વાત બહાર આવી કે આ દરિયાઈ સરિસૃપ જે ડોલ્ફિન જેવું તીક્ષ્ણ દાંતવાળું પ્રાણી હતું, તેના પેટની અંદર ટેરોસોર તરીકે ઓળખાતા ઉડતા ડાયનોસોરનું જડબુ સુરક્ષિતડબ સ્થિતિમાં દબાયેલું હતું. આ વિગતો દર્શાવે છે કે જ્યારે આ હવાઈ શિકારી સમુદ્રની સપાટીની અત્યંત નજીક ઉડી રહ્યો હતો ત્યારે પાણીમાં છુપાયેલા જળચર શિકારીએ અચાનક હુમલો કરીને તેને ઝડપી લીધો હતો, જે આ પ્રકારના અનોખા શિકાર સંબંધનો પ્રથમ પુરાવો છે.
પરંતુ પ્રાચીન સમુદ્રની આ અદભુત ખાદ્ય શૃંખલા અહીં જ અટકી ન હતી કારણ કે ન્યૂ ઇંગ્લેન્ડ યુનિવર્સિટીના પેલિયોન્ટોલોજિસ્ટ અને અભ્યાસના સહ-લેખક મેટ વ્હાઇટના જણાવ્યા અનુસાર ઇચથિઓસોરના હાડપિંજરમાં કરોડરજ્જુના ભાગો વિભાજિત થયેલા હતા, પાંસળીઓ ગાયબ હતી અને સમગ્ર શરીર પર ભયંકર કરડવાના ઊંડા નિશાનો જોવા મળ્યા હતા. ડૉ. વ્હાઇટ અને તેમની ટીમે નિષ્કર્ષ કાઢ્યો કે ઇરોમંગા સમુદ્રમાં આટલી પ્રચંડ ક્ષતિ પહોંચાડવા માટે માત્ર એક જ જીવ સક્ષમ હતો, જે 'ક્રોનોસોરસ ક્વીન્સલેન્ડિકસ' નામે ઓળખાતો ખતરનાક શિકારી પ્લિઓસોરસ હતો.
ગ્રીક પૌરાણિક કથાના શક્તિશાળી ટાઇટન પર નામકરણ પામેલો આ ભયંકર જીવ દેખાવમાં ફ્લિપર્સવાળા મગર જેવો હતો જેની લંબાઈ ૪૦ ફૂટથી વધુ અને વજન ૧૧ થી ૧૩ ટન સુધીનું હોવાનું અનુમાન છે. આ રાક્ષસી પ્રાણીની ડંખ શક્તિ ૩,૩૭૦ થી ૬,૦૭૦ પાઉન્ડ સુધીની અતિશય શક્તિશાળી હતી, જે ઇચથિઓસોર જેવા ભયંકર અને મોટા દરિયાઈ શિકારીને પણ સહેલાઈથી મોતના ઘાટ ઉતરવા માટે પૂરતી સાબિત થઈ હતી.
આ શોધે વૈજ્ઞાનિકોને પ્રાગૈતિહાસિક યુગના એરોમાંગા સમુદ્રના જીવસૃષ્ટિ ચક્ર અને મૃત્યુના કુદરતી વર્તુળને ઊંડાણપૂર્વક સમજવાની ઉત્તમ તક પૂરી પાડી છે, જે ભવિષ્યના દરિયાઈ અશ્મિભૂત સંશોધનો માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
