<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

એન્જિનિયરિંગનો અજાયબ નમૂનો: ૧૦૦૦ વર્ષથી અડીખમ ઉભું છે વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર, ૮૦ ટનનો પથ્થર શિખર પર ચડાવ્યો કેવી રીતે?

ચોલ વંશના રાજા રાજારાજ ચોલની અદભૂત દેણ; માત્ર ૫ વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલું બૃહદેશ્વર મંદિર આજે પણ વિજ્ઞાન માટે એક કોયડો

તંજાવર, તા.૧૫: ભારતીય સ્થાપત્ય કળા અને ભવ્ય વારસાની જ્યારે વાત નીકળે ત્યારે તમિલનાડુના તંજાવર (તંજૌર) માં સ્થિત બૃહદેશ્વર મંદિરનું નામ સૌથી મોખરે આવે છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ પ્રાચીન ભારતની એન્જિનિયરિંગ શક્તિનું પ્રતીક છે. યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સ્થાન પામેલું આ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જે સંપૂર્ણપણે ગ્રેનાઈટના પથ્થરોથી બનેલું છે.
 
૮૦,૦૦૦ કિલોનો એક જ પથ્થર અને અકલ્પનીય ટેકનોલોજી
આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેનું ગુંબજ અથવા શિખર છે. મંદિરના સૌથી ઉપરના ભાગમાં ગ્રેનાઈટનો એક એવો ટુકડો રાખવામાં આવ્યો છે જેનું વજન આશરે ૮૦ ટન (૮૦,૦૦૦ કિલોગ્રામ) છે. આશ્ચર્યની વાત એ છે કે, ૧૧મી સદીમાં જ્યારે કોઈ આધુનિક ક્રેન કે મશીનો નહોતા, ત્યારે આટલો વિશાળ પથ્થર ૨૧૬ ફૂટની ઊંચાઈએ કેવી રીતે પહોંચાડવામાં આવ્યો હશે? એવું માનવામાં આવે છે કે તે સમયે પથ્થરને ઉપર લઈ જવા માટે ૬ કિલોમીટર લાંબો ઢાળ (Ramp) બનાવવામાં આવ્યો હતો.
માત્ર ૫ વર્ષમાં નિર્માણ પામ્યું ભવ્ય માળખું
રાજરાજ ચોલ પ્રથમના શાસનકાળ દરમિયાન આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઈ.સ. ૧૦૦૪ માં શરૂ કરવામાં આવ્યું હતું અને આશ્ચર્યજનક રીતે માત્ર ૫ વર્ષમાં એટલે કે ઈ.સ. ૧૦૦૯ માં તે પૂર્ણ થયું હતું. આટલા ટૂંકા ગાળામાં આટલું જટિલ અને વિશાળ ગ્રેનાઈટનું બાંધકામ કરવું એ આજે પણ આર્કિટેક્ટ્સ માટે એક સંશોધનનો વિષય છે.
મંદિર વિશેની કેટલીક રોમાંચક વાતો:
•    પરછાયો જમીન પર પડતો નથી: એવી માન્યતા છે કે બપોરના સમયે મંદિરના શિખરનો પરછાયો જમીન પર પડતો નથી.
•    ગ્રેનાઈટનો સ્ત્રોત: મંદિરની આસપાસ ૧૦૦ કિલોમીટર સુધી ગ્રેનાઈટ જોવા મળતો નથી, છતાં ૧.૩ લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ અહીં થયો છે.
•    નંદીની વિશાળ પ્રતિમા: મંદિરના પ્રવેશદ્વાર પર નંદીની એક વિશાળ પ્રતિમા છે, જે એક જ પથ્થરમાંથી કોતરાયેલી છે.
આ મંદિર ભારતીય સંસ્કૃતિની તે ભવ્યતાની યાદ અપાવે છે જે આજે પણ વિશ્વભરના પ્રવાસીઓ અને ઈતિહાસકારોને આશ્ચર્યમાં મૂકી દે છે. પ્રાચીન ચોલ શિલ્પકારોની આ કળા આજે ૧૦૦૦ વર્ષ પછી પણ એટલી જ મજબૂત અને તેજસ્વી દેખાય છે.

(4:12 PM IST)