News of Saturday, 10th October 2026
૨૪ વર્ષ પછી પરિવારનું અદ્ભુત પુનઃમિલન: ૨૦૦૨ની જૂની મતદાર યાદીએ વિખૂટા પડેલા ભાઈ-બહેનને ભેગા કર્યા
બાળસુધારગૃહમાં ૧૧ વર્ષ વિતાવનાર ભારતી કદમની સંઘર્ષગાથા; થાણે પોલીસની સક્રિયતા અને એસઆઈઆર પ્રક્રિયાથી પરિવારની મળી ભાળ

મુંબઈ : નાની વયે પરિવારથી વિખૂટી પડી ગયેલી એક દીકરીનું આખરે પૂરા ૨૪ વર્ષ પછી તેના પરિવાર સાથે ભાવનાત્મક પુનઃમિલન થયું છે. વર્ષ ૨૦૦૨ માં નવી મુંબઈ ખાતે મામાને ઘેર આવ્યા બાદ રસ્તામાં પરિવારથી છૂટી પડેલી સાત વર્ષની બાળકી ભારતી કદમનું ભાઈ અને બહેન સાથે મિલન થવાની આ ઘટના અત્યંત હૃદયસ્પર્શી રહી છે. ગુમ થયા બાદ લાંબો સમય બાળસુધારગૃહમાં વિતાવનાર ભારતીએ લગ્ન બાદ પોતાના પરિવારને શોધવા માટે જે સંઘર્ષ કર્યો, તેમાં વર્ષ ૨૦૦૨ ની જૂની મતદાર યાદી આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
ઘટનાની વિગતો મુજબ, ૨૦૦૨ માં નવી મુંબઈમાં બેલાપુર પોલીસને એક નાની બાળકી લાવારિસ હાલતમાં મળી હતી, જેના હાથ પર તેનું નામ ત્રોફાયેલું હતું. તે પોતાના પરિવાર વિશે કોઈ ચોક્કસ માહિતી આપી શકતી ન હોવાથી પોલીસે તેને ભિવંડીના બાળસુધારગૃહમાં આશરો આપ્યો હતો. ત્યાં રહીને જ ભારતી મોટી થઈ અને નિયમ મુજબ ૧૯ વર્ષની ઉંમરે તેની મરજીથી સોલાપુર નિવાસી યુવક સાથે તેના લગ્ન કરાવાયા હતા. હાલમાં તે બે સંતાનોની માતા છે, પરંતુ બાળપણથી જ માતા-પિતા અને ભાઈ-બહેનોથી અલગ થઈ જવાની પીડા તેના મનમાં સતત ઘર કરી રહી હતી. તેના પતિએ હિંમત આપીને તેને પરિવારની શોધખોળ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.
પોતાના પરિવારને શોધવા માટે ભારતીએ અનેક પોલીસ સ્ટેશનો અને બાળસુધારગૃહના ધક્કા ખાધા હતા, પરંતુ ૨૪ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી કોઈ દસ્તાવેજી પુરાવા મળતા નહોતા. આખરે બાળસુધારગૃહના અધિકારીઓની ભલામણથી તે થાણે પોલીસના ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (CPU) સમક્ષ પહોંચી હતી. કેસની જૂના પુરાવાની જટિલતાને જોઈને થાણે પોલીસના એસીપી વિનય ઘોરપડે અને તેમની ટીમે વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાની મદદ લેવાનું નક્કી કર્યું હતું.
તહસીલદારની સક્રિય મદદથી ૨૦૦૨ ની જૂની મતદાર યાદીઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત અને બૂથ લેવલ ઓફિસર (BLO) ના સહકારથી આખરે ભારતીના ભાઈ વિજયનું નામ મતદાર યાદીમાંથી શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસે પૂરતી કાનૂની ખાતરી કર્યા બાદ વીડિયો કોલ દ્વારા ભાઈ-બહેનની પહેલીવાર વાતચીત કરાવી હતી. ભારતીના માતા-પિતા હવે હયાત નથી, પરંતુ તેનો ભાઈ વિજય ઔરંગાબાદથી સોમવારે થાણે પોલીસ મુખ્યાલય ખાતે આવીને પોતાની લાંબા સમયે ગુમાવેલી બહેનને પ્રત્યક્ષ મળશે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
