<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અમેરિકામાં દીક્ષાર્થીઓના સન્‍માન સાથે જિનશાસનનો જયકાર ગુંજ્‍યો

મુમુક્ષુ યશ્‍વીબેન મહેતા અને મુમુક્ષુ જાનવીબેન શાહે યંગ જૈન્‍સ ઓફ અમેરિકા કન્‍વેન્‍શનના અનેક યુવાનો સહિત વોશિંગ્‍ટન, ન્‍યૂજર્સી અને ડલ્લાસ સંઘમાં સંયમ, સત્‍યધર્મ અને ગુરુભક્‍તિનો સંદેશ આપ્‍યો

રાજકોટ, તા.૧૩: રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં દીક્ષા અંગિકાર કરવા તત્‍પર બનેલી બે મુમુક્ષુ દીકરીઓએ યંગ જૈન્‍સ ઓફ અમેરિકા કન્‍વેન્‍શનના યુવાનો અને અમેરિકાના ભાવિકોની ભાવભીની વિનંતીનો સ્‍વીકાર કરીને તા. ૩૦ જૂનથી ૮ જુલાઈ, દરમિયાન નવ દિવસીય અમેરિકા યાત્રા દ્વારા અદભૂત શાસન પ્રભાવના કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે વોશિંગ્‍ટન ડી.સી., ન્‍યૂજર્સી અને ડલ્લાસ ખાતે પ્રવચન, સત્‍સંગ, ટોક શો, સંયમ ભાવયાત્રા, પ્રેરણાત્‍મક પ્રયોગો તથા ઘર-ઘર પાવન પગલાં દ્વારા અનેક ભાવિકો અને સેંકડો યુવાનોને ધર્મથી ભાવિત, ઙ્કભાવિત અને બોધિત કર્યા હતા. 

૨૨ વર્ષીય મુમુક્ષુ યશ્વીબેન મહેતા અને ૨૧ વર્ષીય મુમુક્ષુ જાનવીબેન શાહે વોશિંગ્‍ટન ડી.સી. સ્‍થિત જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશિંગ્‍ટન(જે. એસ. એમ. ડબ્‍લ્‍યુ.) તેમજ ડલ્લાસના જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્‍સાસ (જે.એસ.એન.ટી.)માં યોજાયેલા કાર્યક્રમમાં સંયમ ભાવયાત્રા, જિજ્ઞાસુઓના મનમાં ઊઠતા પ્રશ્‍નોનું જ્ઞાનવર્ધક સમાધાન આપતા ટોક શો, એટેચમેન્‍ટથી ડિટેચ થવાની પ્રેરણા આપતા અનોખા પ્રયોગ દ્વારા ઉપસ્‍થિત ભાવિકોને સંયમમાર્ગે પ્રેરિત કર્યા હતા. 

યંગ જૈન્‍સ ઓફ અમેરિકા (વાય.જે. એ.)ના કન્‍વેન્‍શનના કાર્યક્રમમાં એકસાથે ૧૨૦૦થી વધુ યુવાનો તેમજ અમેરિકાના વિવિધ સંઘોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં મુમુક્ષુઓના શ્રીમુખેથી કાર્યક્રમનું મંગલાચરણ કરાવવામાં આવતા સહુએ ધન્‍યતા અનુભવી હતી. ત્‍યારબાદ વયાનુસાર આયોજિત ત્રણ વિશેષ સત્રોમાં મુમુક્ષુઓએ ‘ધ અનકોમન ચોઈસ' વિષય પર પ્રવચન ફરમાવી પોતાના સંયમજીવનની પ્રેરણાદાયી સફર રજૂ કરી હતી અને પીપીટી પ્રેઝન્‍ટેશન, ટોક શો અને વિવિધ પ્રયોગોના માધ્‍યમે ઉપસ્‍થિત યુવાનોને જીવનની નવી દિશાનો બોધ કરાવ્‍યો હતો.

વિશેષમાં માત્ર જૈન જ નહીં પરંતુ અજૈન પરિવારો સહિત વોશિંગ્‍ટન ડી.સી., ન્‍યૂ જર્સી અને ડલ્લાસમાં અનેકો ઘરોમાં પાવન પગલાં એવમ ઘર સત્‍સંગ કરીને અનેક પરિવારોને ધર્મભાવનાથી અહોભાવિત કરવામાં આવ્‍યા હતા.(

(1:08 PM IST)