<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ચંદ્રયાત્રામાં ભારતનો સહયોગ માગતું અમેરિકા: નાસાએ ઇસરોને ચંદ્ર આધાર કાર્યક્રમમાં જોડાવા આપ્યું ઐતિહાસિક આમંત્રણ, અવકાશ સહયોગને નવી ઊંચાઈ તરફ દોર્યું

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનો ગર્જતો સંદેશઃ ચંદ્રની ધરતી ઉપર ભારતને સાથે રાખી આગળ વધવા તૈયાર છે અમેરિકા

ભારત અને અમેરિકા વચ્ચે અવકાશ ક્ષેત્રનો સહયોગ હવે ચંદ્રની સપાટી સુધી પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે બેંગલુરુ સ્પેસ એક્સ્પો–૨૦૨૬માં જણાવ્યું હતું કે અમેરિકા ફરી ચંદ્ર ઉપર જવા માટે સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે અને ચંદ્રની ધરતી ઉપર ભારતને પોતાની સાથે જોવા માગે છે.

 

ગોરે જણાવ્યું કે ભારત આર્ટેમિસ કરારનું ગૌરવશાળી ભાગીદાર છે તથા અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોને તેના ચંદ્ર આધાર કાર્યક્રમમાં સામેલ થવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. અમેરિકા અને ભારત માત્ર સહકાર નહીં, પરંતુ સંયુક્ત સર્જન તરફ આગળ વધી રહ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.

 

તેમણે નાસા અને ઇસરોના સંયુક્ત નિસાર ઉપગ્રહને માનવજીવન બચાવવામાં ઉપયોગી વૈજ્ઞાનિક સહકારનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની યાત્રા બાદ બંને દેશો અવકાશયાન જોડાણનાં ધોરણો, પરસ્પર સુસંગતતા અને અવકાશયાત્રી તાલીમ અંગે પણ સહકાર વધારી રહ્યા છે.

 

ગોરે ભારતીય અવકાશ ક્ષેત્રનાં નવોદિત ઉદ્યોગોને અમેરિકી બજાર અને રોકાણકારો માટે આવકાર આપતાં કહ્યું કે બંને દેશો સાથે કામ કરશે ત્યારે અવકાશ અર્થતંત્રમાં તકો અનેકગણી વધશે.

(4:23 PM IST)