તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Friday, 6th November 2026
અમેરિકાના શેરબજારમાં એક જ દિવસમાં રૂ.૨૮૫ લાખ કરોડનું ધોવાણ! AI શેરોમાં હાહાકાર
માત્ર એક દિવસની તેજી બાદ એવો મોટો કડાકો આવ્યો છે કે દુનિયાભરના રોકાણકારો ચોંકી ગયા : Nasdaq 19 મહિનાના સૌથી મોટા ઘટાડા સાથે ૫.૫૨% તૂટ્યો છે. જોકે, AI શેરોમાં વેચવાલી વચ્ચે Infosys અને Wiproના ADRમાં તેજી જોવા મળી છે

ન્યુયોર્ક, તા. ૬ : અમેરિકાના શેરબજારમાં માત્ર એક દિવસની તેજી બાદ એવો મોટો કડાકો આવ્યો છે કે દુનિયાભરના રોકાણકારો ચોંકી ગયા છે. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની શાનદાર જીત બાદ શરૂઆતમાં બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ગુરુવારના ટ્રેડિગ સેશનમાં વોલ સ્ટ્રીટ પર ભારે વેચવાલી જોવા મળી અને ટેક્રોલોજી શેરોમાં આવેલા કડાકાએ સમગ્ર બજારને લાલ નિશાનમાં ધકેલી દીધું. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં રોકાણકારોએ મોટા પાયે નફારૂપી વેચવાલી કરી હતી.
આ ઘટાડાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે અમેરિકાના શેરબજારમાંથી એક જ દિવસમાં અંદાજે ૩ ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ૨૮૫ લાખ કરોડની માર્કેટ વેલ્યૂનું ધોવાણ થયું છે. ટેક્રોલોજી શેરોનું મોટું પ્રતિનિધિત્વ ધરાવતા Nasdaqમાં છેલ્લા ૧૯ મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકાના આ કડાકાની અસર શુક્રવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળશે કે પછી ભારતનું બજાર પોતાની તેજી જાળવી રાખશે?
અમેરિકાના શેરબજારમાં અચાનક આટલો મોટો કડાકો કેમ આવ્યો? : - અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતને શરૂઆતમાં શેરબજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી હતી. ચૂંટણીનાં પરિણામો બાદ બુધવારે અમેરિકાના બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. જોકે, બીજા જ દિવસે રોકાણકારોનો મૂડ બદલાઈ ગયો. તેનું મુખ્ય કારણ AI ઇન્ડસ્ટ્રી અને ડેટા સેન્ટર સાથે જોડાયેલી કંપનીઓ પર વધતા નિયમનકારી નિયંત્રણોની આશંકા છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ લાંબા સમયથી મોટા ટેકનોલોજી ગ્રુપ્સની કામગીરી, એઆઈના ઉપયોગ અને ડેટા સેન્ટરના ઝડપથી થઈ રહેલા વિસ્તરણ અંગે વધુ કડક નિયમોની વાત કરી રહ્યા છે. ખાસ કરીને ડેટા સેન્ટર માટે મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. તેના કારણે સામાન્ય ગ્રાહકોના વીજળી બિલ પર વધતા ભારને રોકવા માટે પણ નિયંત્રણોની માગ ઊઠી છે.
આ ઉપરાંત AI કંપનીઓ માટે સ્વતંત્ર પરીક્ષણ અને વધુ જવાબદારી નક્કી કરવા જેવા પ્રસ્તાવો પણ ચર્ચામાં છે. ચૂંટણીમાં ડેમોક્રેટ્સને મળેલી સફળતા બાદ હવે આ પ્રકારના નિયમો આગળ વધી શકે તેવી આશંકાએ રોકાણકારોને ચિતામાં મૂક્યા છે. રોકાણકારોને ડર છે કે જો અમેરિકામાં ડેટા સેન્ટરના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મળવામાં મુશ્કેલી પડશે અથવા તેના નિર્માણ પર નિયંત્રણો આવશે તો AI ઇન્ડસ્ટ્રીના વિકાસની ઝડપ ધીમી પડી શકે છે. આ જ આશંકાએ AI અને સેમિકન્ડક્ટર કંપનીઓના શેરમાં ભારે વેચવાલી શરૂ કરી દીધી.
Nvidiaથી AMD સુધીના શેરોમાં મોટો કડાકો :- અમેરિકાના બજારમાં સૌથી વધુ દબાણ AI અને ચિપ બનાવતી કંપનીઓના શેર પર જોવા મળ્યું હતું. AI ઇન્ડસ્ટ્રીની તેજીમાં સૌથી આગળ રહેલી Nvidiaના શેરમાં ૯ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. Nasdaq Composite લગભગ ૫.૫૨ ટકા ઘટીને ૨૪,૩૧૫ પર બંધ થયો હતો. S&P ૫૦૦માં ૪.૩૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે ૭,૩૫૩.૭૩ પર બંધ થયો હતો. બીજી તરફ Dow Jones પણ ૩.૪૪ ટકા તૂટીને ૫૧,૫૨૩.૦૬ પર આવી ગયો હતો.
Nasdaq માટે છેલ્લા ૧૯ મહિનાનો આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. આ સાથે ઇન્ડેક્સ તેના અગાઉના ઓક્ટોબરના રેકોર્ડ સ્તરથી ૧૦ ટકાથી વધુ નીચે આવી ગયો છે. શેરબજારની ભાષામાં આ સ્થિતિને કરેકશન કહેવામાં આવે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે અમેરિકામાં માત્ર એકાદ કંપનીના શેરમાં ઘટાડો થયો નથી, પરંતુ AI સાથે જોડાયેલી સમગ્ર સપ્લાય ચેઇન પર તેની અસર જોવા મળી છે. ચિપ બનાવતી કંપનીઓથી લઈને ડેટા સેન્ટર ચલાવતી કંપનીઓ સુધી રોકાણકારોએ વેચવાલી કરી છે.
ભારતીય IT કંપનીઓના ADRમાં તેજી, શું Infosys અને Wiproને મળશે ફાયદો? : - અમેરિકાના બજારમાં ટેક્રોલોજી શેરોમાં ભારે કડાકો આવ્યો હોવા છતાં ભારતીય રોકાણકારો માટે એક રસપ્રદ બાબત સામે આવી છે. અમેરિકામાં લિસ્ટેડ ભારતીય IT કંપનીઓના ADRમાં અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. Infosysના ADRમાં આશરે ૪.૫૮ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે Wiproના ADRમાં પણ નજીવી તેજી જોવા મળી હતી. અમેરિકાના ટેક્રોલોજી શેરોમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય IT કંપનીઓના ADRમાં જોવા મળેલી આ મજબૂતી રોકાણકારો માટે ધ્યાન આપવા જેવી બાબત છે
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
