News of Saturday, 2nd May 2026
યુરોપમાં અમેરિકાની ‘સૈન્ય શતરંજ’: 31 બેઝ અને 68,000 સૈનિકો સાથે કેવું છે સુરક્ષાનું ગણિત? ટ્રમ્પના એક નિર્ણયથી જર્મનીમાં હલચલ
જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચવાનો અમેરિકાનો ઐતિહાસિક નિર્ણય; ઈરાન યુદ્ધના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાન્સેલર મર્જ વચ્ચેના મતભેદો બન્યા કારણ, નાટોના ભવિષ્ય પર મંડરાતા જોખમના એંધાણ

બર્લિન,: દાયકાઓ જૂની સૈન્ય વ્યૂહરચનામાં ધરખમ ફેરફાર કરતા અમેરિકાએ જર્મનીમાં તૈનાત પોતાના 5,000 સૈનિકોને પાછા બોલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ વચ્ચે ઈરાન યુદ્ધના મુદ્દે સર્જાયેલા ગંભીર મતભેદો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અમેરિકા સતત આક્ષેપ કરી રહ્યું છે કે યુરોપિયન દેશો પોતાની સુરક્ષા પાછળ પૂરતો ખર્ચ કે જવાબદારી ઉઠાવતા નથી.
યુરોપમાં અમેરિકી સૈન્યનું વર્તમાન માળખું
ડિસેમ્બર 2025 સુધીના ડેટા અનુસાર, યુરોપમાં અમેરિકી સૈન્યની સ્થિતિ નીચે મુજબ છે:
• કાયમી સૈનિકો: આશરે 68,000 જવાનો કાયમી ધોરણે તૈનાત છે.
• સૈન્ય બેઝ: કુલ 31 કાયમી સૈન્ય બેઝ કાર્યરત છે અને 19 વધારાના લોકેશન પર જરૂર પડ્યે સેના કામ કરી શકે છે.
• કમાન્ડ એન્ડ કંટ્રોલ: સમગ્ર ઓપરેશનનું સંચાલન 'યુએસ યુરોપિયન કમાન્ડ' (USEUCOM) દ્વારા કરવામાં આવે છે, જેનું મુખ્ય મથક જર્મની અને ઇટાલીમાં છે.
• સૈન્યની પાંખો: આ કમાન્ડ હેઠળ થલસેના, નૌસેના, વાયુસેના, મરીન, સ્પેશિયલ ફોર્સ અને સ્પેસ ફોર્સ કાર્યરત છે.
મુખ્ય દેશોમાં સૈન્યની વહેંચણી
યુરોપમાં અમેરિકાની હાજરી મુખ્યત્વે આ વ્યૂહાત્મક દેશોમાં છે:
1. જર્મની: સૌથી મોટું કેન્દ્ર, જ્યાં રામસ્ટીન એર બેઝ જેવા સ્થળોએ 36,436 સૈનિકો છે.
2. ઇટાલી: બીજા વિશ્વયુદ્ધથી હાજરી છે, હાલ 12,662 જવાનો તૈનાત છે.
3. બ્રિટન: મુખ્યત્વે વાયુસેનાના 10,156 જવાનો ફરજ બજાવે છે.
4. પોલેન્ડ: કાયમી હાજરી ઓછી છે પરંતુ રુટિન કવાયત માટે 10,000 કામચલાઉ સૈનિકો હંમેશા સજ્જ રહે છે.
આ ઉપરાંત સ્પેન, રોમાનિયા અને હંગેરીમાં પણ અમેરિકાની સૈન્ય હાજરી છે. અમેરિકાનો આ નવો નિર્ણય ભવિષ્યમાં નાટો (NATO) અને સમગ્ર યુરોપની સુરક્ષા વ્યવસ્થા પર કેવી અસર કરશે તે હવે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
