તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
અમેરિકાની ટોચની તપાસ એજન્સી FBI ફરી હેકર્સના નિશાના પર : દેશવ્યાપી ‘નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર’ ડેટાબેઝમાં સાયબર ઘૂસણખોરીની તપાસ શરૂ
સપ્ટેમ્બર બાદ FBI પર બીજો મોટો સાયબર હુમલો : વોરંટ અને બેકગ્રાઉન્ડ ચેકની માહિતી ધરાવતી સિસ્ટમમાં બિનઅધિકૃત પ્રવેશથી સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ : ઘટનાની જાણ થયા બાદ પણ FBI ડિરેક્ટર કાશ પટેલે ટીવી ઈન્ટરવ્યુમાં સાયબર સુરક્ષાની કામગીરીના વખાણ કર્યા

વોશિંગ્ટન: અમેરિકાની મુખ્ય તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) ફરી એકવાર સાયબર હુમલાનો ભોગ બની છે. તપાસથી માહિતગાર બે સૂત્રોના જણાવ્યા અનુસાર, હેકર્સે એફબીઆઈના અત્યંત મહત્વપૂર્ણ એવા રાષ્ટ્રવ્યાપી ગુનાહિત માહિતી ડેટાબેઝ ‘નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર’ (NCIC) માં કથિત રીતે ઘૂસણખોરી કરી છે અને એજન્સી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરના મહિનાઓમાં એફબીઆઈની સિસ્ટમ પર થયેલો આ બીજો મોટો સાયબર હુમલો છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે બેંકો, નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) અને એફએએ (FAA) ની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને અસર કરનારા હાઈ-પ્રોફાઈલ આઉટેજ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્ર દેશની સાયબર સુરક્ષા અંગે જનતાની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પોલીસ અને જાહેર સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ ડેટાબેઝ:
એનસીઆઈસી (NCIC) ડેટાબેઝ સમગ્ર અમેરિકામાં ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે જીવાદોરી સમાન છે, જેનો ઉપયોગ વોરંટ અને બેકગ્રાઉન્ડ ચેકની માહિતીની આપ-લે કરવા માટે થાય છે. સાયબર ગુનાખોરી જૂથો સામે તપાસનું નેતૃત્વ કરી ચૂકેલા એફબીઆઈના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, દેશભરના પોલીસ અધિકારીઓ વોન્ટેડ ભાગેડુઓને ઓળખવા, બાકી વોરંટ તપાસવા અને અધિકારીઓ તથા જાહેર સુરક્ષાને સીધી અસર કરતી માહિતી મેળવવા દરરોજ આ ડેટાબેઝ પર આધાર રાખે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે હેકર્સે સંવેદનશીલ માહિતી મેળવી છે કે નહીં તે ઉપરાંત, તેઓ અધિકારીઓ જે માહિતી પર વિશ્વાસ રાખે છે તેની ચોકસાઈ સાથે ચેડાં કરી શકે તેમ છે કે નહીં તે વધુ ગંભીર બાબત છે.
ઘટના છુપાવીને ડિરેક્ટર કાશ પટેલના સાયબર સુરક્ષાના દાવા:
આ મામલે એફબીઆઈ દ્વારા તાત્કાલિક કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે, ગુરુવારે બ્યુરોના અધિકારીઓને આ તાજેતરની સાયબર સુરક્ષા ઘટનાની જાણ થયા બાદ એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલે ફોક્સ ન્યૂઝ પર ઉપસ્થિત રહીને એજન્સીની સાયબર સુરક્ષા કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે મહિનાઓ પહેલા પૂર્ણ થઈ ચૂકેલા ‘ઓપરેશન વિન્ટર શીલ્ડ’ નો ઉલ્લેખ એવી રીતે કર્યો હતો જાણે તે હજુ ચાલી રહ્યું હોય, જેમાં કંપનીઓને હેકર્સથી બચવા સિસ્ટમ અપડેટ કરવા અનુરોધ કરાયો હતો. કાશભાઈ પટેલે વર્તમાન વહીવટીતંત્રની પ્રશંસા કરતા કહ્યું હતું કે અગાઉના વહીવટીતંત્રો આ અપડેટ્સ કરી શક્યા હોત પરંતુ તેમણે કર્યા નથી, જ્યારે અમે સમયથી આગળ રહીને ખોવાયેલા સમયની ભરપાઈ કરી રહ્યા છીએ.
અગાઉ પણ એફબીઆઈ પર થઈ ચૂક્યા છે સાયબર હુમલા:
અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ‘શાઈનીહન્ટર્સ’ (ShinyHunters) નામના ગ્રુપે એફબીઆઈની જોબ્સ વેબસાઈટને નિશાન બનાવીને કર્મચારીઓનો સંવેદનશીલ અંગત ડેટા ચોરી લીધો હતો. આ કેસમાં કેનેડાના એક સાયબર સિક્યોરિટી સંશોધક અને લેખકની ધરપકડ કરવામાં આવી છે. તે સમયે એફબીઆઈના કેટલાક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે ડેટા ચોરીથી તેમને અસર થઈ છે કે નહીં તે અંગે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને પૂરતા સુરક્ષા સંસાધનો અપાયા ન હતા. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૩માં પણ હેકર્સે એફબીઆઈની ન્યૂયોર્ક ફિલ્ડ ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી, જેનો ઉપયોગ બાળ જાતીય શોષણની તપાસ અને જેફરી એપસ્ટીન કેસ સંબંધિત તસવીરો સંગ્રહિત કરવા માટે થતો હતો.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
