<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ટાટા ગ્રૂપમાં આંતરિક વિવાદો વચ્ચે રતન ટાટાના ભાઈ જીમી ટાટાનું મોટું નિવેદન: નોએલ ટાટા પરિવાર સામે ઉઠાવ્યા સવાલો

વર્ષોના મૌન બાદ જીમી ટાટાએ ટાટા ટ્રસ્ટ્સ અને સન્સના સંચાલન પર ગંભીર આક્ષેપો કરીને ચેરમેન એન. ચંદ્રશેખરનને સમર્થન જાહેર કર્યું છે.

નવી દિલ્હી : દેશના અગ્રણી ઉદ્યોગજૂથ ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે ચાલી રહેલા આંતરિક ઘર્ષણમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેમાં દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના સગા નાના ભાઈ જીમી એન. ટાટાએ વર્ષો બાદ મૌન તોડીને મોટો ખુલાસો કર્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, લાંબા સમયથી સાર્વજનિક મંચો અને બેઠકોથી દૂર રહેનારા જીમી ટાટાએ નોએલ ટાટાના પરિવાર પર ટાટા સન્સ પર વર્ચસ્વ જમાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે અને ટ્રસ્ટના નિર્ણયોમાં સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત થવા સામે વાંધો ઉઠાવ્યો છે.

 

આ સાથે તેમણે વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન'માં કરવામાં આવેલા સંશોધનોની ટીકા કરતા જણાવ્યું હતું કે આ ફેરફારોને કારણે ચેરિટેબલ ઉદ્દેશ્યો અને કોમર્શિયલ કામકાજ વચ્ચે અસંતુલન સર્જાઈ રહ્યું છે.

 

આ વિવાદ વચ્ચે જીમી ટાટાએ ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરનના નેતૃત્વને મજબૂત સમર્થન આપતા ગ્રૂપના વ્યવસાયોમાં શાનદાર રિટર્ન અને પ્રોફિટબિલિટી વધારવા બદલ તેમની પ્રશંસા કરી છે.

 

બોર્ડ મીટીંગમાં બહુમતી મળવા છતાં ચંદ્રશેખરનના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરતા તેમણે ટ્રસ્ટીઓની સ્વતંત્રતા અને પારદર્શક વહીવટની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

 

આગામી સમયમાં ટાટા જૂથના આ ટોચના સ્તરીય આંતરિક વિવાદો અને સત્તા સમીકરણોને લઈને ઉદ્યોગ જગતમાં નવા નિર્ણયો લેવાય તેવી પૂરી શક્યતા છે.

(6:21 PM IST)