<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ઈરાનને પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવાની પ્રમુખ ટ્રમ્પની આકરી ચેતવણી વચ્ચે જ અમેરિકન જહાજો પર ઈરાનનો હુમલો : ઈઝરાયેલી સેના પણ મહત્તમ એલર્ટ પર : મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગઈ : સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાને આ હુમલો કરીને તેના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે: ઈરાનની સેનાએ આ હુમલા દ્વારા અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ વાટાઘાટોમાં માનતા નથી અને અમેરિકાની શરતો સ્વીકારવા બિલકુલ તૈયાર નથી

મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાનના હુમલા બાદ બહેરીનમાં રાષ્ટ્રીય કટોકટી : ઓમાનમાં ઈમારત પર હુમલો થતાં બે કામદારો ઘાયલ : તો યુએઈ પણ વળતો જડબાતોડ જવાબ આપવા તૈયાર

વોશિંગ્ટન : મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગઈ છે. ઈરાન દ્વારા સતત કરવામાં આવી રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. એક ટેલિવિઝન ચેનલને અગાઉથી રેકોર્ડ કરીને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં અમેરિકી પ્રમુખે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ઈરાન અમેરિકન જહાજો પર હુમલો કરશે તો તેને પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ ઇન્ટરવ્યુ પ્રસારિત થયો ત્યાં સુધીમાં તો ઈરાને અમેરિકન જહાજો પર હુમલો કરી દીધો હતો. 

ત્યારબાદ અમેરિકી પ્રમુખે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ઈરાને આ હુમલો કરીને તેના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, ઈરાનની સેનાએ પોતાના આ કૃત્ય દ્વારા અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની વાટાઘાટોમાં માનતા નથી અને અમેરિકાની શરતો સ્વીકારવા બિલકુલ તૈયાર નથી.

આ સંઘર્ષની સીધી અને વિનાશક અસર અન્ય ખાડી દેશો પર પણ પડી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને ઓમાન પર પણ હુમલો કર્યો છે. ઓમાનના રાસ અલ ખાઈમાહ અમીરાત નજીકના બુખા વિસ્તારમાં એક ઈમારત પર થયેલા હુમલામાં બે વિદેશી કામદારો ઘાયલ થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. 

બીજી તરફ, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બહેરીને દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. યુનાઈટેડ આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે પણ અત્યંત આકરૂં વલણ અપનાવતા પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ ઈરાનના હુમલાનો જવાબ આપવા માટે પોતાનો સંપૂર્ણ અને કાયદેસરનો અધિકાર સુરક્ષિત રાખે છે.

વિવિધ માધ્યમો અને સોશિયલ મીડિયા પરથી પ્રાપ્ત થતી વિસ્તૃત વિગતો અનુસાર, આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઈઝરાયેલી સેના પણ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સાબદી બની છે અને પોતાની સતર્કતાને મહત્તમ સ્તર પર વધારી દીધી છે. 

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ મથકો અને બેલેસ્ટિક મિસાઈલોના અડ્ડાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર ખાડી વિસ્તારમાં વ્યાપક હુમલાઓના કારણે જાનમાલનું મોટું નુકસાન થઈ રહ્યું છે અને નાગરિક માળખાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં આ વૈશ્વિક સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.*

(10:49 PM IST)