તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
અમેરિકા - ઈરાન તણાવ વચ્ચે હોર્મોઝગાનમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, ભીષણ વિસ્ફોટોમાં ચાર વર્ષના બાળક સહિત પાંચના મોત અને 67 ઘાયલ
ઈરાનના કુહેસ્તક ગામમાં લગ્ન સમારોહ દરમિયાન અચાનક થયેલા શંકાસ્પદ ધડાકાઓને કારણે જશ્નનો માહોલ ચીસાચીસમાં પલટાયો, સેન્ટકોમ આંતરિક સમીક્ષા કરી રહ્યું છે

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે એક અત્યંત દર્દનાક અને કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) નજીક આવેલા તટીય ગામ કુહેસ્તકમાં એક લગ્ન સમારંભ તે સમયે માતમમાં ફેરવાઈ ગયો, જ્યારે જશ્ન વચ્ચે અચાનક ભયાનક વિસ્ફોટો થયા હતા. આ ખૌફનાક અકસ્માતમાં ૪ વર્ષના એક નિર્દોષ બાળક સહિત ૫ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે ૬૭ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ યુદ્ધ વચ્ચે સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
ગીતો અને જશ્ન વચ્ચે છત અને દીવાલો ધરાશાયી થઈ: ઘટનાની વિગતો અનુસાર, મરિયમ મલ્લાહીના આ લગ્નમાં સેંકડો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમારંભ બે અલગ-અલગ મકાનોમાં યોજાઈ રહ્યો હતો. લગ્નમાં હાજર રહેલા જૈનબ મલ્લાહીએ આ ખૌફનાક મંજરને યાદ કરતા જણાવ્યું હતું કે વિસ્ફોટના થોડા ક્ષણો પહેલા સુધી મહિલાઓ પરંપરાગત ખુશીના ગીતો ગાઈ રહી હતી અને જશ્ન મનાવી રહી હતી. અચાનક જ કાનફાડી નાખતા અવાજ સાથે ઘરની છત અને દીવાલો ભડભડ કરતી નીચે પડી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક પ્રોજેક્ટાઈલ ઘરની છત સાથે અથડાયું હતું જેના કારણે ફ્લોરમાં અંદાજે દોઢ મીટર ઊંડો ખાડો પડી ગયો હતો, જ્યારે બીજું પ્રોજેક્ટાઈલ ખજૂરના ઝાડ સાથે અથડાઈને દીવાલ પર પડ્યું હતું, જે બાદ ચારેય તરફ ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
રહેણાંક વિસ્તારમાં તબાહી: કટોકટીના સમયે બચાવ કામગીરી: દુલ્હનના પિતા અને સ્થાનિક માછીમાર અલી મલ્લાહીએ દાવો કર્યો છે કે લગ્નમાં આશરે ૩૫૦ લોકો હાજર હતા અને બંને ઘરો સંપૂર્ણપણે રહેણાંક વિસ્તારમાં આવેલા હતા. તેમના જણાવ્યા મુજબ, આસપાસ દૂર-દૂર સુધી કોઈ સૈન્ય સ્થાન કે લશ્કરી મથક આવેલું નથી. અલી મલ્લાહીએ ઉમેર્યું હતું કે બ્લાસ્ટનો ગૂંજતો અવાજ સાંભળીને તેમને પહેલા એવું લાગ્યું કે કદાચ ગેસ સિલિન્ડર ફાટ્યો હશે, પરંતુ જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તબાહીનું મંજર જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટના બનતાની સાથે જ ઈરાની રેડ ક્રેસન્ટના રાહતકર્મીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન શરૂ કર્યું હતું.
CENTCOM દ્વારા આંતરિક તપાસ શરૂ: દરમિયાન, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ ઘટના અંગે પોતાની આંતરિક સમીક્ષા શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે એ પુષ્ટિ થઈ શકી નથી કે આ હુમલો અમેરિકી સેના દ્વારા કરવામાં આવ્યો હતો કે નહીં. CENTCOM ના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે તેઓ ઈરાની સરકારી મીડિયાના અહેવાલોથી વાકેફ છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે, સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકી સેના ક્યારેય નાગરિકોને નિશાન બનાવતી નથી. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે પણ સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા યુદ્ધ દરમિયાન સામાન્ય નાગરિકો પર ક્યારેય હુમલો કરતું નથી અને આ આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
બીજી તરફ, સમાચાર સંસ્થા રોયટર્સની તાજેતરની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલો કોઈ નિશાન ચૂકેલા હથિયારના બદલે સીધા અમેરિકી હથિયારના ઉપયોગનું પરિણામ હોઈ શકે છે. આ દાવાને પગલે આ માનવીય હોનારત પર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
