News of Tuesday, 2nd June 2026
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનું ફેડરલ બજેટ ડેફિસિટ હવે તેની કુલ જીડીપીના 6 ટકા સુધી પહોંચ્યું : G-7 દેશોમાં સૌથી વધુ
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા પર દેવાનો ભાર ઝડપથી વધ્યો :આગામી વર્ષોમાં અમેરિકાની આર્થિક મુશ્કેલીઓ વધુ ગંભીર બની શકે

અમેરિકા ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે.ઈરાન સાથે વધતો સંઘર્ષ અને બીજી તરફ સતત વધી રહેલું સરકારી દેવું અમેરિકાની નાણાકીય સ્થિતિને નબળી બનાવી રહ્યું છે. તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે અમેરિકાનું ફેડરલ બજેટ ડેફિસિટ હવે તેની કુલ જીડીપીના 6 ટકા સુધી પહોંચી ગયું છે, જે G-7 દેશોમાં સૌથી વધુ છે.
G-7 એટલે વિશ્વની સૌથી વિકસિત અર્થવ્યવસ્થાઓનો સમૂહ, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાનો સમાવેશ થાય છે. આ દેશોની સરેરાશ બજેટ ખાધ આશરે 3 ટકા છે, જ્યારે અમેરિકાનો આંકડો તેનાથી બમણાથી પણ વધુ છે. આ સ્થિતિ દર્શાવે છે કે વિશ્વની સૌથી મોટી ઇકોનોમી પર આર્થિક દબાણ સતત વધી રહ્યું છે. અમેરિકાનું વધતું બજેટ ખાધ માત્ર આંકડાઓનો વિષય નથી. તેનો સીધો અર્થ એ થાય છે કે સરકારની આવક કરતાં ખર્ચ ઘણો વધુ છે. આ ખાધને પૂરી કરવા માટે સરકારને વધુ દેવું લેવું પડે છે, જેના કારણે વ્યાજની ચૂકવણીનો બોજ પણ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા પર દેવાનો ભાર ઝડપથી વધ્યો છે અને હવે તેની અસર દેશની નાણાકીય નીતિઓ પર પણ જોવા મળી રહી છે.
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો હાલની સ્થિતિ યથાવત્ રહેશે તો વર્ષ 2028 સુધી અમેરિકાનું બજેટ ડેફિસિટ વધીને જીડીપીના 7.5 ટકા સુધી પહોંચી શકે છે. આ આંકડો કોરોના મહામારી દરમિયાન જોવા મળેલા ઉચ્ચ સ્તરની નજીક ગણાય છે. એટલે કે આગામી વર્ષોમાં અમેરિકાની આર્થિક મુશ્કેલીઓ વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ G-7ના અન્ય દેશોની સ્થિતિ અમેરિકાની સરખામણીએ વધુ સંતુલિત જોવા મળે છે. ફ્રાન્સ અને બ્રિટનનું બજેટ ડેફિસિટ જીડીપીના લગભગ 5 ટકા આસપાસ છે, જ્યારે ઇટાલી અને કેનેડાનું ખાધ 2 ટકા જેટલું રહેવાની શક્યતા છે. જર્મની અને જાપાન પણ અમેરિકાની તુલનામાં વધુ નિયંત્રિત નાણાકીય સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે.
વિશ્લેષકોના મતે ઈરાન સાથેનો તણાવ, વધતો રક્ષણ ખર્ચ, ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક અનિશ્ચિતતા અમેરિકાની આર્થિક મુશ્કેલીઓને વધુ ઊંડી બનાવી રહ્યા છે. ખાસ કરીને યુદ્ધ અને સુરક્ષા સંબંધિત ખર્ચમાં વધારો થતાં સરકારના ખજાના પર વધારાનો બોજ પડી રહ્યો છે. અમેરિકાની આર્થિક સ્થિતિ માત્ર તેના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે વૈશ્વિક વેપાર, શેરબજારો, કરન્સી બજારો અને રોકાણના પ્રવાહો પર અમેરિકાની અર્થવ્યવસ્થાનો મોટો પ્રભાવ રહે છે. જો અમેરિકાનું દેવું અને બજેટ ખાધ સતત વધશે તો તેની અસર વિશ્વભરના બજારોમાં પણ જોવા મળી શકે છે.
દુનિયાની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા આજે વધતા દેવા, બજેટ ખાધ અને ભૂરાજકીય પડકારોના ત્રિપાંખિયા દબાણ વચ્ચે ઉભી છે. હવે રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓની નજર એ વાત પર છે કે અમેરિકા આ વધતી આર્થિક મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવે છે અને આગામી વર્ષોમાં તેની નાણાકીય સ્થિતિને કેટલી હદ સુધી મજબૂત બનાવી શકે છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
