<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

મિડલ ઈસ્ટ કટોકટી વચ્ચે પીએમ મોદીની હાકલ પર દેશના વીર જવાનો એક્શનમાં: ઇંધણ બચાવવા CRPF-ITBP નો ઐતિહાસિક નિર્ણય, સરહદે હવે સાઇકલ પર થશે પેટ્રોલીંગ

સેનાએ સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વિના પેટ્રોલ-ડીઝલના બજેટમાં કર્યો સીધો 10% નો જંગી ઘટાડો; મોટા અફસરોની સરકારી ગાડીઓ છીનવાશે, વિદેશ પ્રવાસો પર પણ લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ એશિયા) માં ચાલી રહેલા ભયાનક સૈન્ય તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઇંધણની મોટી કટોકટી ઊભી થવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલની બચત કરવાની ખાસ અપીલ કરી હતી. પીએમની આ દેશહિતની હાકલને માથે ચડાવીને દેશના બહાદુર અર્ધસૈનિક દળોએ ઇંધણ બચાવવા માટે કમર કસી લીધી છે. દેશની સરહદોની સુરક્ષા સાથે સહેજ પણ બાંધછોડ કર્યા વિના રાષ્ટ્રીય સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવાનું સેનાનું આ પગલું સમગ્ર દેશ માટે દેશપ્રેમ અને સતર્કતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડે છે.

વડાપ્રધાનની અપીલ બાદ દેશના સૌથી મોટા અર્ધસૈનિક બળ ગણાતા કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF) ના મુખ્યાલય દ્વારા એક મોટો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ સીઆરપીએફએ પોતાના વાહનો માટે ફાળવવામાં આવતા પેટ્રોલ-ડીઝલના વાર્ષિક બજેટમાં સીધો ૧૦ ટકાનો મસમોટો કાપ મૂકી દીધો છે. આ સાથે જ વહીવટી તંત્રમાં ચાલતી બિનજરૂરી વીઆઈપી સંસ્કૃતિ પર બ્રેક લગાવતા આદેશ કરાયો છે કે હવેથી કોઈ પણ સરકારી ઉચ્ચ અધિકારીને એકથી વધુ સરકારી વાહન વાપરવા માટે આપવામાં આવશે નહીં.

ફિટનેસ પણ વધશે અને ઓઇલ પણ બચશે: જવાનો હવે સાઇકલ દોડાવશે

ઇંધણની બચતને જનઆંદોલન બનાવવા માટે સીઆરપીએફ દ્વારા એક અત્યંત અનોખો અને પ્રશંસનીય પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. દેશના સામાન્ય અને બિન-સંવેદનશીલ વિસ્તારોમાં અત્યાર સુધી થતું મોટરસાયકલ પેટ્રોલીંગ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. તેના સ્થાને જવાનોને હવે સાઇકલ દ્વારા પેટ્રોલીંગ (Cycling Patrol) કરવાની કડક સૂચના આપવામાં આવી છે. સેનાના ઉચ્ચ સૂત્રોનું માનવું છે કે સાઇકલ પેટ્રોલીંગથી વાર્ષિક લાખો લીટર કિંમતી ઇંધણની બચત તો થશે જ, પરંતુ સાથે-સાથે જવાનોની શારીરિક ફિટનેસ અને સ્ટેમિનામાં પણ અદભુત સુધારો જોવા મળશે. જો કે, કાશ્મીર કે નક્સલગ્રસ્ત જેવા અતિ સંવેદનશીલ અને આતંકવાદ વિરોધી વિસ્તારોમાં આ નિયમ લાગુ પડશે નહીં, ત્યાં રાષ્ટ્ર સુરક્ષા હિતમાં પહેલાની જેમ જ આધુનિક વાહનોથી પેટ્રોલીંગ ચાલુ રહેશે.

ITBP એ પણ અધિકારીઓના વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ

આ મહાઅભિયાનમાં ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP) પણ ખભેખભા મિલાવીને જોડાઈ ગઈ છે. આઈટીબીપીના મુખ્યાલયે કડક આર્થિક કરકસરના ભાગરૂપે પોતાના તમામ સ્તરના અધિકારીઓના વિદેશ પ્રવાસો પર હાલ પૂરતો તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. આ ઉપરાંત સેનાના રોજિંદા વહીવટી કાર્યો અને સ્ટેટિક ડ્યુટી (ઓફિસ વર્ક) માં તૈનાત સરકારી ગાડીઓની સંખ્યામાં પણ સીધો ઘટાડો કરવામાં આવ્યો છે.

બંને સૈન્ય દળોએ દેશવાસીઓને ખાતરી આપતા સ્પષ્ટ કર્યું છે કે, ઇંધણ બચતના આ આર્થિક પગલાં અને કાપની સહેજ પણ માઇનસ અસર દેશની આંતરિક સુરક્ષા કે સરહદની સુરક્ષા વ્યવસ્થા પર પડવા દેવામાં આવશે નહીં. સૈનિકોના આ શાનદાર પગલાની સોશિયલ મીડિયા પર આખો દેશ વાહ-વાહ કરી રહ્યો છે.

(8:17 PM IST)