News of Wednesday, 22nd April 2026
અમિતભાઈ શાહની બંગાળમાં ‘રણગર્જના’:મમતા દીદી, તમે ગમે તેટલી કોશિશ કરો, અમે બંગાળમાં બાબરી મસ્જિદ બનવા દઈશું નહીં:રામ મંદિરના વિરોધ મુદ્દે આકરા પ્રહાર
બંગાળમાં ૧૫૨ બેઠકો માટે કાલે પ્રથમ તબક્કાનું મહામતદાન: ઉત્તર ૨૪ પરગણાની રેલીમાં શાહે રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા, વિપક્ષી ગઠબંધન પર સાધ્યું આકરું નિશાન

કોલકાતા:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬નો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રથમ તબક્કાના મતદાનના ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉત્તર ૨૪ પરગણામાં એક વિશાળ જનસભાને સંબોધતા મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે રામ મંદિર અને ધાર્મિક મુદ્દાઓને આગળ ધરીને મમતા સરકારને ઘેરી હતી.
રેલી દરમિયાન અમિતભાઈ શાહે આક્ષેપ કર્યો હતો કે, “મમતા બેનર્જી હંમેશા રામ મંદિરના નિર્માણનો વિરોધ કરતા રહ્યા છે. હવે તેઓ હુમાયુ કબીરના નામે બંગાળમાં બાબરી મસ્જિદનું નિર્માણ કરવા માંગે છે.” તેમણે ગર્જના કરતા ઉમેર્યું કે, મમતા દીદી ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ ભાજપ પશ્ચિમ બંગાળની પવિત્ર ધરતી પર બાબરી મસ્જિદ બનવા દેશે નહીં. શાહની આ ટિપ્પણીથી બંગાળનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.
માત્ર મમતા બેનર્જી જ નહીં, અમિતભાઈ શાહે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તમિલનાડુ અને પુડુચેરીમાં બે આંકડા પણ પાર કરી શકશે નહીં. શાહે વધુમાં કહ્યું કે, “બંગાળમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલશે નહીં અને આસામમાં તેઓ ઐતિહાસિક હાર તરફ જઈ રહ્યા છે. મમતા દીદી, તમે જે કોંગ્રેસના સહારે બેઠા છો, તે જ તમારી હારનું કારણ બનશે.”
આવતીકાલે ૧૫૨ બેઠકો પર મતદાન: ૨૦૨૬ની આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. આવતીકાલે, એટલે કે ૨૩ એપ્રિલે પ્રથમ તબક્કા હેઠળ ૧૬ જિલ્લાઓની ૧૫૨ બેઠકો માટે કરોડો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારબાદ ૨૯ એપ્રિલે બીજા તબક્કામાં ૧૪૨ બેઠકો પર મતદાન થશે. સમગ્ર દેશની નજર ૪ મેના રોજ જાહેર થનારા પરિણામો પર છે, જે બંગાળનું ભવિષ્ય નક્કી કરશે.
બંગાળમાં હિંસા અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં અમિતભાઈ શાહની આ રેલીએ ભાજપના કાર્યકરોમાં નવો જોશ ભરી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે થનારા મતદાનમાં જનતા કોના પક્ષમાં ‘ગર્જના’ કરે છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
