News of Friday, 8th May 2026
અમિતભાઈ શાહનો મમતા બેનર્જી પર આકરો પ્રહાર: "દીદી, આ વખતે સુવેન્દુ દાએ તમારા ઘરમાં આવીને તમને હરાવ્યા છે", બંગાળમાં નવા યુગની શરૂઆત
સુવેન્દુ અધિકારી બનશે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી: શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ, વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહ આપશે હાજરી

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચતા રાજ્યની સત્તા પર કબજો જમાવ્યો છે. શુક્રવારે વિધાયક દળની બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જાહેરાત કરી હતી કે સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ જાહેરાત બાદ અમિતભાઈ શાહે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી પર કટાક્ષ કરતા કહ્યું કે, "દીદી, આ વખતે સુવેન્દુ દાએ તમારા ગઢ ભવાનીપુરમાં આવીને જ તમને પરાજય આપ્યો છે."
અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બંગાળની સંસ્કૃતિ પાંચ દાયકાથી વિદેશી વિચારધારાઓથી પ્રભાવિત હતી, જેને હવે મુક્ત કરીને રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વારસાને પુનર્જીવિત કરવાની જવાબદારી આપણી છે. તેમણે ઉમેર્યું કે આ જીત એ શ્યામા પ્રસાદ મુખર્જીની એ ઈચ્છાની પૂર્તિ છે, જેઓ બંગાળમાં ભાજપનો ધ્વજ લહેરાતો જોવા માંગતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ સંકલ્પ પૂરો થયો છે.
સુવેન્દુ અધિકારી, જેમને બંગાળના 'જાયન્ટ સ્લેયર' માનવામાં આવે છે, તેઓ રાજ્યના નવમા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ભાજપના ધારાસભ્યોએ સર્વસંમતિથી તેમને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. અધિકારીએ અગાઉની ચૂંટણીઓમાં પણ પોતાની તાકાત બતાવી હતી અને હવે તેઓ રાજ્યના વહીવટની લગામ સંભાળશે.
શનિવારે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રવિન્દ્ર જયંતિના પવિત્ર અવસરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, ભાજપ અધ્યક્ષ નીતિન નવીન તેમજ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. બંગાળમાં આ પરિવર્તનને ભાજપના નેતાઓ 'સોનાર બાંગ્લા' ના નિર્માણની દિશામાં પ્રથમ પગલું ગણાવી રહ્યા છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
