<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

બંધારણ ગૌરવ દિવસે અમિતભાઈભાઈ શાહનો આકરો સંદેશ: "બંધારણથી જ સત્તા મળે છે અને જાય છે", મૂળ પ્રતના ચિત્રો જોવા આપ્યો પડકાર

હાથમાં બંધારણ લઈને ફરનારાઓને 15 મિનિટ સંસદ લાઈબ્રેરીમાં જઈ નંદલાલ બોઝના ચિત્રો નિહાળવા અપીલ; 1857થી 1947ના 90 વર્ષના સંઘર્ષ અને શાંતિપૂર્ણ સત્તા પરિવર્તનનો ઉલ્લેખ, 2015થી 26 નવેમ્બરે ઉજવણી શરૂ થયાની વાત

નવી દિલ્હી : બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈભાઈ શાહે બંધારણના મહત્વ, ઐતિહાસિક સફર અને વર્તમાન પરિપ્રેક્ષ્ય પર સ્પષ્ટ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 26 નવેમ્બર, 1949ના દિવસે દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી અને દેશના બંધારણનો આદર કરવો એ દરેક નાગરિકની ફરજ છે. આઝાદીના લડવૈયાઓના બલિદાનને યાદ કરતાં તેમણે 1857થી 1947 સુધી ચાલેલા 90 વર્ષના લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે માતૃભૂમિને ગુલામીમાંથી મુક્ત કરાવવા અનેક સેનાનીઓએ પરિવાર, કારકિર્દી, વેપાર અને અભ્યાસ છોડીને સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું.

 

બંધારણની ભૂમિકા અંગે બોલતા અમિતભાઈ શાહે કહ્યું કે બંધારણ નાગરિકોને સરકાર અને સત્તા પસંદ કરવાનો અધિકાર આપે છે, કારણ કે "બંધારણથી જ સત્તા મળે છે અને બંધારણથી જ સત્તા જાય છે." દેશમાં અનેકવાર સત્તા પરિવર્તન થયું હોવા છતાં ક્યારેય હિંસા થઈ નથી, જેનું શ્રેય બંધારણને જાય છે. તેમણે કહ્યું કે જે લોકો હાથમાં બંધારણ લઈને ફરે છે, તેમણે તેનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. બંધારણ ગૌરવ દિવસ અંગે બોલતા તેમણે જણાવ્યું કે આઝાદી બાદ બંધારણને માત્ર શાસન ચલાવવાની માર્ગદર્શિકા પૂરતું સીમિત રાખવાનો પ્રયાસ થયો, પરંતુ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 2015થી દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કરાયું જેથી યુવાનો અને નાગરિકો સુધી બંધારણના મૂલ્યો પહોંચી શકે.

 

દેશની સંસ્કૃતિ અને સભ્યતાનો વિરોધ કરનારાઓને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે જીવનમાંથી 10થી 15 મિનિટ કાઢીને બંધારણની મૂળ પ્રત અવશ્ય જોવી જોઈએ. બંધારણની મૂળ પ્રતના વિવિધ પ્રકરણોની શરૂઆત ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગોના ચિત્રોથી થાય છે, જેમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું આગમન, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, દશમ પિતા ગુરુ ગોવિંદ સિંહજી, રાણી લક્ષ્મીબાઈ, દાંડી કૂચ અને નેતાજી સુભાષચંદ્ર બોસના ચિત્રો સામેલ છે. અમિતભાઈ શાહે હાથમાં બંધારણ લઈને ફરનારાઓને સંસદ ભવનની લાઈબ્રેરીમાં જઈને 15 મિનિટ કલાકાર નંદલાલ બોઝ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો નિહાળીને બંધારણની સાચી ભાવના સમજવા અનુરોધ કર્યો હતો.

(8:11 PM IST)