News of Sunday, 19th April 2026
મહારાષ્ટ્રને હચમચાવનાર અમરાવતી સેક્સ કાંડમાં નાગપુરની સગીરાના ધડાકા ભેર ખુલાસા: પરતવાડાના ઘૃણાસ્પદ નેટવર્કનો પર્દાફાશ કરવા SIT એક્શન મોડમાં
ભાડાના ફ્લેટ અને કાફેને અય્યાશીના અડ્ડા બનાવી માસૂમ બાળાઓનું શોષણ કરનારા આઠ નરાધમો જેલના સળિયા પાછળ, ફોરેન્સિક તપાસમાં ડિજિટલ પુરાવાઓ ખુલતા અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની દહેશત

અમરાવતી:મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સગીર છોકરીઓના જાતીય શોષણના અત્યંત આઘાતજનક 'પરતવાડા સેક્સ કાંડ'માં નાગપુરની એક સગીર પીડિતાના સાહસિક નિવેદન બાદ ખળભળાટ મચી ગયો છે. ૧૧ એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વાંધાજનક ક્લિપ્સ અને તસવીરોથી શરૂ થયેલો આ વિવાદ હવે એક સંગઠિત ગુનાહિત નેટવર્ક તરફ ઈશારો કરી રહ્યો છે. પીડિતાએ પોલીસ સમક્ષ તેની સાથે થયેલી અમાનવીય ઘટનાઓની વિગતો શેર કરતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના હાથમાં મહત્વની કડીઓ લાગી છે. પોલીસનું માનવું છે કે આ નિવેદન કેસના અનેક વણઉકેલાયેલા મુદ્દાઓને જોડવામાં રામબાણ સાબિત થશે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ નરાધમો છોકરીઓને લલચાવીને ખાનગી ફ્લેટ, હાઈ-ફાઈ કાફે અને બગીચાઓમાં બોલાવી તેમનું શારીરિક શોષણ કરતા હતા. અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી જપ્ત કરાયેલા લેપટોપ, ટેબ્લેટ અને હાર્ડ ડ્રાઈવમાંથી અનેક ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે. પ્રશાસને આ મામલે કડક વલણ અપનાવતા વાંધાજનક સામગ્રી ફેલાવતા ૪૧ જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ નેટવર્કના મૂળ કેટલા ઊંડા છે અને તેમાં અન્ય કયા કયા સફેદપોશ લોકો સંડોવાયેલા છે તેનો પર્દાફાશ થશે.
રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ અમરાવતીની મુલાકાત લઈ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે હાઈ-લેવલ બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોઈપણ ચમરબંધીને બક્ષવામાં આવશે નહીં અને પીડિતોની ઓળખ ગુપ્ત રાખી તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. હાલમાં SIT ડિજિટલ અને ફિઝિકલ પુરાવાઓના આધારે આ મસમોટા રેકેટના અંત સુધી પહોંચવા મથી રહી છે. પોલીસ અધિકારીઓએ અન્ય પીડિતોને પણ નિર્ભય થઈને સામે આવવા અપીલ કરી છે જેથી તમામ ગુનેગારોને કાયદાના શિકંજામાં કસી શકાય.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
