તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 29th May 2026
નેપાળના ઇતિહાસમાં અભૂતપૂર્વ વળાંક: પ્રજાસત્તાક દિવસ પર પીએમ બાલેન શાહનું ભેદી મૌન : પરંપરા તૂટી
શાસક પક્ષ RSP એ પણ રાષ્ટ્રીય પર્વ પર શુભેચ્છાઓ ન આપતા અનેક આશંકાઓ ઘેરી બની

કાઠમંડુ: નેપાળના રાજકીય ઇતિહાસમાં ૨૮ મેના રોજ ઉજવાતા પ્રજાસત્તાક દિવસના પવિત્ર અવસરે એક મોટો ગૂંચવાડો અને આશ્ચર્યજનક ઘટનાક્રમ સામે આવ્યો છે. દેશના ૨૪૦ વર્ષ જૂના રાજાશાહી શાસનના અંતની યાદમાં ઉજવાતા આ રાષ્ટ્રીય પર્વ પર વર્ષોથી ચાલી આવતી વડાપ્રધાનના જાહેર સંબોધનની પરંપરા પહેલીવાર તૂટી ગઈ છે. નેપાળના લોકપ્રિય રેપરમાંથી દેશના વડાપ્રધાન બનેલા બાલેંદ્ર (બાલેન) શાહે પ્રજાસત્તાક દિવસના મુખ્ય સમારોહમાં હાજર રહેવા છતાં જનતાને સંબોધિત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે એક પત્ર લખીને રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલને ટુંડીખેલ લશ્કરી મેદાન ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાષણ આપવા વિનંતી કરી હતી, જેણે આખા દેશમાં ચર્ચા જગાવી છે.
સામાન્ય રીતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિદેશી રાજદૂતો અને અગ્રણી હસ્તીઓની હાજરીમાં સરકારના વડા દ્વારા રાષ્ટ્રને આપવામા આવતું આ ભાષણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે, પરંતુ બાલેન શાહની આ રહસ્યમય ગેરહાજરી અને મૌન હવે નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યું છે. ભક્તપુરમાં નેપાળી સેનાના એક કાર્યક્રમ બાદ વડાપ્રધાને લાંબા સમયથી પ્રજા સાથે સીધો સંવાદ સાધ્યો નથી. આ સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ પૌડેલે પણ વર્તમાન નેતૃત્વની માનસિકતા પર પરોક્ષ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, માત્ર રાજકીય વ્યવસ્થા કે બંધારણીય શાસન માળખું બદલવાથી પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ થતી નથી, પરંતુ શાસકોના વર્તન, રાજકીય અખંડિતતા, મૂલ્યો અને વલણમાં પણ મોટું પરિવર્તન આવવું અનિવાર્ય છે.
લોકશાહીના આ મહાપર્વ પર આઘાતજનક બાબત એ પણ રહી કે વડાપ્રધાન બાલેનની સાથે શાસક પક્ષ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી ના પ્રમુખ રબી લામિછાનેએ પણ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની કોઈ સત્તાવાર શુભેચ્છા પાઠવી નહોતી. હજારો શહીદોના બલિદાન અને વર્ષોના સંઘર્ષ બાદ મેળવેલી પ્રજાસત્તાક પ્રણાલી તરફ સરકારનું નેતૃત્વ કરી રહેલા પક્ષોનું આ ઠંડુ વલણ નેપાળી મીડિયા અને વિશ્લેષકોમાં ભારે ટીકાનો ભોગ બન્યું છે. જનતા સાથેનો આ સંવાદ તૂટવાના કારણે દેશની લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાના અથવા અંદરખાને કોઈ મોટો રાજકીય ખેલ ખેલાઈ રહ્યો હોવાની ગંભીર આશંકાઓ પણ સેવાઈ રહી છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
