તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Thursday, 23rd July 2026
જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલનને અનુપમ ખેરનું મોટું સમર્થન
પવિત્ર આંદોલનને રાજકીય રોટલા શેકનારા લોકોથી દૂર રાખો : થલાપતિ વિજય, રિતેશ દેશમુખ અને શબાના આઝમી બાદ હવે અનુપમ ખેરે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યોઃ વીડિયો શેર કરીને આંદોલનને બહારના લોકોના એજન્ડાનો હિસ્સો ન બનવા દેવાની ખાસ સલાહ આપી

મુંબઈ,તા.૨૩: જંતર-મંતર પર યુવાનોના વિરોધ પ્રદર્શને તમામ કલાકારોનું ધ્યાન ખેંચ્યું છે. થલાપતિ વિજય, રિતેશ દેશમુખ, શબાના આઝમી જેવા સિતારાઓએ 'કોકરોચ જનતા પાર્ટી'ને સપોર્ટ કર્યો છે. હવે આખા દેશનું ધ્યાન આ વિરોધ પ્રદર્શન પર છે. હવે દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે વિદ્યાર્થીઓના સપોર્ટમાં ખુલીને પોતાની વાત મૂકી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર અને મહત્વની ચેતવણી પણ આપી છે કે, તેઓ પોતાના પવિત્ર આંદોલનને રાજકીય રોટલા શેકનારા લોકોથી દૂર રાખે.
અનુપમ ખેરે વીડિયોની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વહાલા વિદ્યાર્થીઓ, નમસ્તે. એક-બે દિવસ પહેલા તમારા પ્રદર્શનની તસવીરો જોઈને મન વ્યાકુળ થયું અને દુઃખી પણ. કોઈ વિદ્યાર્થીએ પોતાની વાત મૂકવા માટે આવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું જોઈએ નહીં. હું પણ ક્યારેક વિદ્યાર્થી હતો, મેં પણ સપના જોયા, સવાલો પૂછ્યા અને સિસ્ટમ સામે અસહમતિ દર્શાવી. આજે પણ મારી સંસ્થામાં સેંકડો વિદ્યાર્થીઓ છે, તેથી હું તમારી બેચેની, તમારો ગુસ્સો અને તમારી આશાઓ ત્રણેયને સમજી શકું છું. મારી નજરમાં વિદ્યાર્થી આંદોલન એ સમાજનો સૌથી સચ્ચો અવાજ હોય છે, તેમાં કોઈ સ્વાર્થ નથી હોતો. તેમને બસ પોતાના ભવિષ્યની ચિતા હોય છે, પોતાના અધિકારોની વાત હોય છે અને દેશને વધુ સારો બનાવવાનું સપનું હોય છે.
અનુપમ ખેરે વીડિયોમાં આગળ વિદ્યાર્થીઓને સાવધાન રહેવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે,એટલે હું દિલથી તમારી સાથે છું, પરંતુ એક વાત બીજી, હું તમને મોટા ભાઈ તરીકે કહેવા માંગુ છું. જ્યારે તમારા આંદોલનમાં બહારના લોકો ઘૂસવા લાગે છે, રાજકીય તકોડીઓ, દરેક આંદોલનમાં પોતાની હાજરી નોંધાવનારા લોકો, એવા તત્વો જેમનો મકસદ તમારો મુદ્દો નહીં, પરંતુ પોતાનો એજન્ડા હોય છે, ત્યારે સાવધાન થઈ જાઓ. શરૂઆતમાં તમને લાગશે કે જેટલા વધુ લોકો જોડાશે તમારી તાકાત એટલી વધશે, પરંતુ હંમેશા એવું નથી હોતું. ઘણી વાર એ જ લોકો તમારી સૌથી મોટી તાકાતને તમારી સૌથી મોટી કમજોરી બનાવી દે છે. તેઓ તમારો અવાજ નથી બનતા, તેઓ તમારા અવાજનો ઉપયોગ કરવા લાગે છે. તેઓ તમારા દર્દને અનુભવવા નથી આવતા, તેઓ તમારા દર્દ પર પોતાની રાજનીતિની ઇમારત ઉભી કરવા માટે આવે છે
અનુપમ ખેરે આગળ કહ્યું હતું કે, ધીમે-ધીમે મુદ્દો તમારો રહેતો નથી. કેમેરા તેમના થઈ જાય છે, નારા તેમના થઈ જાય છે, મકસદ તેમનો થઈ જાય છે અને કદાચ નુકસાન તમારું. તમારું સત્ય પાછળ છૂટી જાય છે. તમારી લડાઈ તમારી જ રહેવી જોઈએ. તેને કોઈ અન્યના એજન્ડાનો મંચ ન બનવા દો. લોકશાહીમાં સવાલ પૂછવો તમારો અધિકાર છે, પ્રદર્શન કરવું તમારો અધિકાર છે, પોતાની વાત મજબૂતીથી કહેવી તમારો અધિકાર છે. પરંતુ એટલી જ મોટી જવાબદારી એ પણ છે કે, તમારા અવાજ પર કોઈ અન્યનો કબજો ન થઈ જાય.
વીડિયોના અંતમાં અનુપમ ખેરે વિદ્યાર્થીઓને હિમત આપતા કહ્યું હતું કે, 'યાદ રાખો, વિદ્યાર્થીઓ કોઈપણ દેશની સૌથી મોટી મૂડી હોય છે. તમારી ઉર્જા, તમારી પ્રામાણિકતા અને તમારો આદર્શવાદ જ તમારી સાચી શક્તિ છે. તેને કોઈના હાથનું ઓજાર ન બનવા દો. હું તમારી સાથે છું, આજે પણ... કાલે પણ... હું ઈચ્છું છું કે, તમે નિડર થઈને પોતાની વાત કહો, પરંતુ તમારી શરતો પર, તમારા વિવેકથી, તમારા આત્મસન્માન સાથે. ઈશ્વર તમને સ્વસ્થ રાખે, સુરક્ષિત રાખે અને હંમેશા સત્ય સાથે ઊભા રહેવાનું સાહસ આપે.' અનુપમ ખેરે વીડિયો સાથે એક લાંબુ કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ કોઈ પણ દેશની સૌથી મોટી આશા હોય છે. તેમના અવાજને સાંભળવો જોઈએ, સમજવો જોઈએ અને તેનો આદર થવો જોઈએ. મારી માત્ર એક જ પ્રાર્થના છે તમારી લડાઈ, તમારો મુદ્દો અને તમારા વિચારને કોઈ અન્યના હાથનું હથિયાર ન બનવા દો
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
