તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 30th July 2026
ઇંગ્લેન્ડની ઐતિહાસિક ધર્મયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અનુપમ મિશન મોગરી ખાતે પરમ પૂજ્ય સંત ભગવંત દાદાનું ભવ્ય સ્વાગત : યુરોપના પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમના લોકાર્પણ બાદ ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
ઢોલ-નગારાના ગગનભેદી નાદ, વિવિધ પ્રાંતોના સાંસ્કૃતિક નૃત્યો અને ગુંજતા જયઘોષ વચ્ચે શોભાયાત્રા નીકળી : "દરેક કાર્યના સાચા કર્તા પરમાત્મા છે અને માનવ માત્ર નિમિત્ત છે" - સંત ભગવંત દાદાના દિવ્ય આશીર્વચન

આણંદ: દોઢ માસની દિવ્ય, ઐતિહાસિક અને લોકકલ્યાણકારી ઇંગ્લેન્ડ ધર્મયાત્રા પૂર્ણ કરીને પરમ પૂજ્ય સંત ભગવંત દાદા અનુપમ મિશન, મોગરી ખાતે પધારતાં સમગ્ર અનુપમ પરિવાર તથા અસંખ્ય હરિભક્તોમાં હર્ષ, ભક્તિ અને ભાવવિભોરતાનો અલૌકિક માહોલ સર્જાયો હતો. યુરોપના પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમના ઐતિહાસિક લોકાર્પણ જેવા યુગપ્રવર્તક કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પરત ફરેલા ગુરુદેવના સન્માનમાં અનુપમ મિશન ખાતે ભવ્ય સ્વાગત યાત્રા અને અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંતો, મહેમાનો, વરિષ્ઠ હરિભક્તો, યુવક-યુવતીઓ, બહેનો અને મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ગુરુદર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારાના ગગનભેદી નાદ, મંગળધ્વનિ, ધજાપતાકાઓની શોભા, જય શ્રી સ્વામિનારાયણના ગુંજતા જયઘોષ અને ગુરુવંદનાના પાવન સ્વરો વચ્ચે સંત ભગવંત દાદાની ભવ્ય સ્વાગત યાત્રા નીકળી હતી. સમગ્ર પરિસર ભક્તિ, આનંદ અને ગુરુપ્રેમના પવિત્ર રંગોથી રંગાઈ ગયું હતું. શોભાયાત્રા દરમિયાન સંત ભગવંત દાદા સુશોભિત રથ ઉપર બિરાજમાન રહી સહુને દિવ્ય દર્શન અને આશીર્વાદ આપતા હતા. ગુરુદેવના કરુણામય સ્મિત અને દિવ્ય ઉપસ્થિતિના દર્શનથી હરિભક્તો ભાવવિભોર બની ગયા હતા અને અનેક ભાવિકોએ ગુરુચરણોમાં નમન કરીને પોતાની અખંડ શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ વ્યક્ત કર્યું હતું.
મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ પરંપરાગત મંગળવિધિ, પુષ્પવર્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રાંતોની સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ દ્વારા ગુરુદેવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતીય, રાજસ્થાની, પંજાબી અને ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા યુવક-યુવતીઓએ પોતાની ભાષા, સંગીત અને લોકનૃત્ય દ્વારા ગુરુદેવને ભાવભર્યો આવકાર અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યમાં રહેલી એકતા અને આધ્યાત્મિકતાનું અદભુત દર્શન થયું હતું. ઇંગ્લેન્ડ ધર્મયાત્રા દરમિયાન સંત ભગવંત દાદાના દિવ્ય માર્ગદર્શન હેઠળ સત્સંગના પ્રચાર-પ્રસારને નવી ગતિ મળી હતી અને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો અને માનવસેવાના સંદેશનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ વિસ્તર્યો હતો. ખાસ કરીને યુરોપના પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમના લોકાર્પણ દ્વારા માનવસેવા, ધાર્મિક ગૌરવ અને આધ્યાત્મિક સંસ્કૃતિના ઇતિહાસમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત થયો છે.
આ પ્રસંગે સાધુ પૂજ્ય પીટરદાસજીએ ઇંગ્લેન્ડ ધર્મયાત્રાના વિવિધ કાર્યક્રમો, પ્રાપ્ત થયેલી અભૂતપૂર્વ સફળતાઓ તથા ઐતિહાસિક સિદ્ધિઓનો સંક્ષિપ્ત પરંતુ પ્રેરણાદાયી અહેવાલ રજૂ કર્યો હતો. પરમ પૂજ્ય સંત ભગવંત દાદાએ પોતાના આશીર્વચનમાં અત્યંત વિનમ્રતા અને ગુરુભક્તિનો ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દરેક કાર્યના સાચા કર્તા પરમાત્મા છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ, ગુરુહરિઓના સંકલ્પ અને તેમની કૃપાથી જ તમામ શુભ કાર્યો સંપન્ન થાય છે અને માનવ તો માત્ર નિમિત્તમાત્ર છે. તેમણે જણાવ્યું કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ જે દિવ્ય કાર્ય માટે આ પૃથ્વી પર પધાર્યા, તેમાં તેમણે અસંખ્ય હરિભક્તો અને સંતોને પોતાના પ્રેમ અને કૃપાથી જોડ્યા છે. વિવિધ સેવાઓ દ્વારા તેઓ આપણને પોતાના દિવ્ય ભાવમાં સ્થિર કરે છે અને આ પરમાત્માના કાર્યમાં જે કોઈ નિષ્ઠા, સમર્પણ અને ભાવપૂર્વક જોડાય છે, તેના પર ભગવાન અને ગુરુહરિઓની અપરંપાર પ્રસન્નતા વરસે છે.
સંત ભગવંત દાદાએ ભારપૂર્વક જણાવ્યું કે આજે જે માન-સન્માન, અભિનંદન અને પ્રશંસાના શબ્દો ઉચ્ચારાયા છે, તે કોઈ વ્યક્તિના નથી પરંતુ તે સર્વે ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ચરણોમાં જ સમર્પિત છે, કારણ કે તેમની કૃપા અને સંકલ્પ વિના કંઈપણ શક્ય નથી. તેમણે ઉમેર્યું કે અનુપમ મિશનના દરેક સંત અને હરિભક્તના જીવનનો એક જ સંકલ્પ છે કે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા પૂજ્ય અશ્વિનદાદા અને પૂજ્ય શાંતિદાદાને દરેક સંજોગોમાં રાજી કરવા. આ રાજીપાનો ભાવ જ સંતોના જીવનમાં પ્રગટે છે અને એ જ દિવ્ય ભાવનાનો પ્રભાવ સમગ્ર અનુપમ મિશનના પરિસરમાં તેમજ ઇંગ્લેન્ડ સહિત વિશ્વભરના સત્સંગ કેન્દ્રોમાં અનુભવાય છે.
અંતમાં સંત ભગવંત દાદાએ જણાવ્યું કે સહુના પ્રેમસભર દર્શનથી તમામ થાક દૂર થઈ ગયો છે અને સૌના પ્રેમ, સમર્પણ તથા આત્મીયતા માટે હૃદયપૂર્વક વંદન તથા આભાર વ્યક્ત કરીએ છીએ. ગુરુદેવ યોગીબાપાની કૃપાથી સહુ સર્વ રીતે સુખી બની રહો તેવી પ્રાર્થના છે. અનુપમ મિશન, મોગરીમાં યોજાયેલ આ ભવ્ય સ્વાગત સમારોહ માત્ર ગુરુદેવના આગમનનો કાર્યક્રમ નહોતો, પરંતુ ગુરુભક્તિ, એકતા, સંસ્કાર, સમર્પણ અને આધ્યાત્મિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ બની રહ્યો હતો. સેંકડો હરિભક્તોના અખૂટ પ્રેમ અને શ્રદ્ધાથી યોજાયેલ આ દિવ્ય સ્વાગત યાત્રા લાંબા સમય સુધી સૌના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિ બની રહેશે. આ ભવ્ય કાર્યક્રમનું સુંદર સંચાલન ધનંજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
