<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અનુપમા ફેમ ગૌરવ ખન્નાના ૧૦ વર્ષના લગ્નજીવનનો આઘાતજનક અંત: પત્ની આકાંક્ષાએ લાઈવ શોમાં કર્યો છૂટાછેડાનો ધડાકો

.ટીવી રિયાલિટી શો 'લોકઅપ સીઝન ૨'ના મંચ પર રિતેશ દેશમુખ અને ફરાહ ખાન સામે અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ ખોલ્યું જિંદગીનું સૌથી મોટું રહસ્ય : છેલ્લા એક વર્ષથી અલગ રહેતા આ સુપરસ્ટાર કપલના પરસ્પર સહમતીથી અલગ થવાના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ

મુંબઈ: ટેલિવિઝન જગતના લોકપ્રિય અભિનેતા ગૌરવ ખન્ના અને તેમની પત્ની આકાંક્ષા ચમોલાના સુખી સંસારમાં ભંગાણ પડ્યું છે. એકતા કપૂરના વિવાદાસ્પદ રિયાલિટી શો 'લોકઅપ સીઝન ૨'ના પ્રથમ એપિસોડમાં જ સ્પર્ધક તરીકે પહોંચેલી આકાંક્ષાએ નેશનલ ટીવી પર સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ બંને છૂટાછેડા લઈ રહ્યા છે. હોસ્ટ રિતેશ દેશમુખ અને ફરાહ ખાને શોના નિયમ મુજબ જિંદગીનું કોઈ ગુપ્ત રહસ્ય જાહેર કરવાનું કહેતા, આકાંક્ષાએ આ ચોંકાવનારો ખુલાસો કરીને શોના અન્ય સ્પર્ધકો સહિત કરોડો ચાહકોને ભારે આંચકો આપ્યો છે.

આકાંક્ષાએ શો દરમિયાન જણાવ્યું કે તે અને ગૌરવ છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે અને આ વાત તેમણે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. છૂટાછેડાનો આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો છે અને બિગ બોસ ૧૯ દરમિયાન જ તેમની વચ્ચે આ અંગે અંતિમ વાતચીત થઈ ગઈ હતી. આકાંક્ષાના મતે, બંને પરિવારો માટે આ નિર્ણય એક મોટા ફટકા સમાન છે, પરંતુ એક પરિણીત યુગલ તરીકે તેમની વચ્ચેનો રોમેન્ટિક સ્પાર્ક ગાયબ થઈ ગયો હોવાથી તેઓ બંને હવે પરસ્પર કોઈ કડવાશ વગર પોતાના ભવિષ્યની રાહ અલગ કરવા માંગે છે.

વર્ષ ૨૦૧૬માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ સ્ટાર કપલના સંબંધો તૂટવા પાછળ ફેમિલી પ્લાનિંગનો વિવાદ મુખ્ય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, ગૌરવ ખન્ના લાંબા સમયથી પિતા બનવા માંગતા હતા પરંતુ આકાંક્ષા બાળક માટે તૈયાર નહોતી, જેના કારણે તેમની વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા. લગ્નના ૧૦ વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ આ આદર્શ ગણાતી જોડી સત્તાવાર રીતે અલગ થઈ રહી હોવાના સમાચારે સોશિયલ મીડિયા પર ચાહકોને ભારે નિરાશ કર્યા છે.

(10:26 PM IST)